ગંભીર અકસ્માતને નિમંત્રણ આપતો કામરેજ ખાતે તાપી નદી ઉપરનો બ્રિજ
09, જુલાઈ 2025 2574   |  

સુરત, વડોદરાનાં મૂંજપુર નજીક મહિસાગર નદી ઉપરનાં ગંભીરા બ્રિજનો સ્પાન તૂટી પડવાની દુર્ઘટના બાદ સુરતનાં કામરેજ પાસે તાપી નદી ઉપરનો બ્રિજ ચર્ચામાં આવ્યો છે. બ્રિજનાં બે સ્પાન વચ્ચે લોખંડની પ્લેટ લગાવીને ગાડું ગબડાવાઇ રહ્યું હોવાથી ગંભીર અકસ્માતને નિમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ નેશનલ હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ સર્જી હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ થોડા સમય અગાઉ કામરેજ બ્રિજની રૂબરૂ મુલાકાત લઇને હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓને સૂચના આપી હતી તો બીજીતરફ ભાજપનાં ધારાસભ્ય કુમાર કાનાણી અને કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે પણ આ બ્રિજને તત્કાળ રીપેર કરવાની માંગણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં લોખંડની પ્લેટ બે ફુટની હતી પરંતુ ત્યારપછી હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ મોટી પ્લેટ લગાવીને ગાડું દોડાવ્યું છે. હાલમાં લોખંડની પ્લેટ ઉછળી રહી હોવાથી અકસ્મતાનાં ભયથી વાહનચાલકો ધીમે ધીમે વાહનો હંકારે છે જેને કારણે પણ બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રહે છે. કામરેજ ખાતે તાપી નદી ઉપરનાં બ્રિજનાં બે સ્પાનને જાેડતાં જાેઇન્ટ ઉપર લોખંડની પ્લેટ લગાવવામાં આવી હતી પરંતુ પ્લેટ છુટી હોવાથી ટ્રક અને ભારેખમ ટ્રેલરની આવનજાવન વખતે પ્લેટ ઉછળતી હોવાથી વાહનચાલકો પણ ગભરાઇને વાહનો ધીમેથી હંકારતા હોય છે. લોખંડની બે પ્લેટ લગાવવામાં આવી હોવાથી તેમાં અકસ્માતનો ભય રહેતો હતો જેથી હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓએ ફરિયાદને ધ્યાનમાં રાખીને મજબુત રીપેરિંગ કરવાને બદલે લોખંડની નવી પ્લેટ નાંખી હતી. લોખંડની નવી પ્લેટનાં બંને છેડે માત્ર લોખંડની નાની પટ્ટીથી જાેડાણ આપ્યું હોવાથી મોટા વાહનો પસાર થતાં લોખંડની પ્લેટ ઉછળી રહી છે. લોખંડની પ્લેટ બ્રિજનાં રોડથી છુટી હોવાથી ભારે વાહનોની અવરજવર વખતે ઉછળે છે. સ્થાનિક રહિશોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, વારંવાર ફરિયાદો કરવા છતાં હાઇવે ઓથોરિટીનાં બેદરકાર અધિકારીઓ ફરિયાદ પરત્વે ગંભીરતાથી ધ્યાન આપતાં નથી જેથી ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાવાની દહેશત સતત વર્તાતી રહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution