માંજલપુર પોલીસની સ્તુત્ય સેવા 

ગત રાત્રિના સમયે એક વ્યક્તિ જે સતત ૪૫૮ દિવસથી ચાલતો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકયો હતો. યુ.પી., બિહાર, કર્ણાટક, ઓડિશા, તામિલનાડુ, મહારાષ્ટ્ર થઈને જ્યારે વડોદરાની ધરતી પર ચાલતો ચાલતો જતો હતો ત્યારે માંજલપુર પીસીઆર વાનની નજર પડતાં પીસીઆરના જવાનોએ તેમને ગાડીમાં બેસાડી સારી હોટેલમાં લઈ ગયા. પહેલાં તેને જમાડયો હતો, બાદમાં માંજલપુર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, જ્યાં પીએસઆઈ સેલાએ બુકે અને ફૂલ આપી તેનું સન્માન કર્યું હતું. રાત્રિ રોકાણ માટે એણે વ્યવસ્થા કરી આપી હતી. આ વ્યક્તિની યાત્રા પંજાબથી શરૂ થઈ હતી. હજુ ત્રણ મહિના લોગીન આ વ્યક્તિ ચાલીને પાછો પંજાબ આવશે. હજુ એની યાત્રા સોમનાથ, રાજસ્થાન, મધ્યપ્રદેશ બાકી છે. વડોદરાની તમામ જનતા અને શહેર પોલીસના જવાનોએ દિલથી સ્વાગત કર્યું હતું.

તરસાલી બાયપાસ પાસે અકસ્માત

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સિમેલા ગામે રહેતા અડ પરિવારના પાંચથી સાત જેટલા શ્રમજીવીઓ કુશલગઢથી ખાનગી શ્રીરામ ટ્રાવેલ્સની લકઝરી બસમાં સુરત-વાપી જવા માટે નીકળ્યા હતા. આ સાથે અન્ય મુસાફરો પણ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. લકઝરી બસનો ચાલક ઝાલોદ, ગોધરા, હાલોલ થઈ ગોલ્ડન ચોકડી ખાતેથી નેશનલ હાઈવે પર અમદાવાદ-સુરત હાઈવે પર પૂરઝડપે દોડી રહી હતી, એ દરમિયાન હાઈવેન ધનિયાવી નજીક મહાદેવ હોટેલ પાસે આગળ જતા કન્ટેનર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પૂરઝડપે હાઈવે પર પસાર થતી લકઝરી બસ કન્ટેનર ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. મધરાતે થયેલા આ અકસ્માતને પગલે મુસાફરોની ચીસોથી હાઈવે ગૂંજી ઊઠયો હતો. જેથી અન્ય વાહનચાલકો પોતાના વાહનો થંભાવી ઈજાગ્રસ્તોની વહારે આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બરોડા એકેડેમિક એસો.ના સભ્યોની જાહેરનામાના ભંગ બદલ અટકાયત

શહેરમાં ખાનગી ટયૂશન ચલાવતા બરોડા એકેડેમિક એસોસિયેશનના સભ્યોએ આજે અનલૉક-૪માં મોટાભાગે રોજગાર-ધંધા શરૂ થઈ ગયા છે, ત્યારે ખાનગી ટયૂશન ક્લાસને પણ શરૂ કરવાની પરમિશન સરકાર આપે તેવી માગ સાથે બરોડા એકેડેમિક એસોસિયેશનના એડ્‌વાઈઝર કેતન પરીખની આગેવાની હેઠળ આજે મેયર, મ્યુનિ. કમિશનર અને કલેકટરને આવેદનપત્ર આપવા માટે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા, જ્યાં તેઓ કલેકટરને આવેદનપત્ર આપી ઓફિસની બહાર આવતાં રાવપુરા પોલીસે જાહેરનામાના ભંગ બદલ તેમજ વગર પરવાનગીએ આવેદનપત્ર આપવા બદલ તમામ સભ્યોની અટકાયત કરી હતી.

દરજીપુરા એરફોર્સ સ્ટેશનના સર્જન્ટનો ભેદી સંજાેગોમાં આપઘાત

શહેર નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં બિરબલ સિંગ મોહનસિંગ નટવરિયા (ઉં.વ.૩૩) સર્જન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એરફોર્સ સ્ટેશનના ક્વાર્ટર્સના રૂમ નં.૧૪માં પરિવારસ સાથે રહેતા હતા. જાે કે, લૉકડાઉન દરમિયાન તેના પરિવારજનો પત્ની અને બાળકોને વતન મોકલી આપ્યા હતા. ત્યાર બાદ તેઓ એકલા ક્વાર્ટર્સમાં રહેતા હતા. ગઈકાલે બિરબલસિંગ નટવરિયાએ ભેદી સંજાેગોમાં રૂમમાં કપડાં સૂકવવાની નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ હરણી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ડભોઈ રોડ પર ખાડામાં ટ્રક ફસાઈ

વડોદરા શહેરના વિકાસના કામોમાં કે અન્ય કોઈપણ પ્રકારની નાની મોટી કામગીરીમાં પાલિકાના ઇજારદારો દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતું નથી.જેને લઈને સામાન્ય વરસાદમાં પણ માર્ગો બેસી જવા કે ભુવા પાડવા જેવી ઘટનાઓ રોજેરોજ બનવા પામે છે.આવીજ એક ઘટનામાં પ્રતાપનગરથી ડભોઇ રોડ તરફ જતા માર્ગ પર લોખંડના સળિયા ભરેલી ટ્રક યમુના મિલ પાસે ભુવામાં ફસાઈ ગઈ હતી.જેને લઈને વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.

સયાજી બાગને ખુલ્લો મુકો : મોર્નિંગ વોકર્સ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અનલોક - ૪ ની જાહેરાતમાં જાહેર બાગ બગીચાઓને મોર્નિંગ વોકર્સ અને જાહેર જનતાને આવનજાવન કરવાને માટે ખુલ્લા મુકવાને માટેની જાહેરાત કરવામાં આવી છે.તેમ છતાં સરકારના આદેશનું પાલન નહિ કરીને પાલિકાના શાસકો અને તંત્ર બગીચાઓને બંધ રાખીને મનસ્વી વર્તન કરી રહ્યા છે.આને લઈને રોષે ભરાયેલા શહેરના મોર્નિંગ વોકર્સો દ્વારા કમાટીબાગ ખાતે સૂત્રોચ્ચાર કરીને એને ખુલ્લો મુકવા માટેની માગ કરવામાં આવી હતી.

વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો

રાવપુરા વિસ્તારમાં રહેતા વેપારીની પુત્રી નીપા (નામ-સરનામુ બદલ્યુ છે)ધો. ૧૨માં અભ્યાસ કરે છે. ગત ૩જી તારીખે તેની ૧૭મી વર્ષગાંઠ હોઈ તેના બોયફ્રેન્ડ વિનાયક ધીરજ ખારવા (લહેરીપુરા ન્યુરોડ, સુલતાનપુરા)એ નીપા સાથે તેનો ફોટો પાડીને ‘માય વાઈફ ..માય લાઈફ’ લખેલો મેસેજ સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. આ મેસેજની જાણ થતાં નીપાના પરિવારજનોએ તેને ઠપકો આપી અભ્યાસમાં ધ્યાન રાખવા સમજાવી હતી. જાેકે બર્થડેના બીજા જ દિવસ ૪થી તારીખની સાંજે નીપાને તેનો બોયફ્રેન્ડ વિનાયક લગ્નની લાલચ આપીને તેની સાથે બાઈક પર બેસાડીને ભગાડી ગયો હતો અને તેનો મોબાઈલ ફોન પર સ્વીચ ઓફ કરી દીધો હતો. પોતાની સગીર વયની પુત્રીનું વિનાયક ખારવા અપહરણ કરી ગયો હોવાની જાણ થતાં નીપાના પિતાએ વિનાયક વિરુધ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફુટપાથ પર નિંદ્રાધીન મહિલાનો હાથ કચડી કારચાલક ફરાર

ફતેગંજ બ્રિજ નીચે ફુટપાથ પર રહેતા શ્રમજીવી ચંપાબેન માળી ગત બપોરે ફુટપાથ પર સુતા હતા તે સમયે જીજે-૦૬-સીબી -૬૪૧૩ નંબરની મહેંદીહુસેનના માલિકીની મારુતી એસ્ટીમ કારના ચાલકે તેની કાર આડેધડ રીતે રિવર્સમાં લઈને ફુટપાથ પર ચઢાવી હતી અને નિંદ્રાધીન ચંપાબેનના ડાબા હાથ પર કારનું વ્હીલ ફેરવી દીધું હતું. ચંપાબેને દર્દથી કણસતી હાલતમાં બુમરાણ મચાવતા જ કારચાલક તેની કાર લઈને ઘટનાસ્થળેથી પલાયન થયો હતો. ઈજાગ્રસ્ત ચંપાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તેમના હાથમાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. તેમની કેફિયતના પગલે ફતેગંજ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી કારનંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

દહેજ માટે ત્રાસ ગુજારતા સાસરિયા

સલાટવાડામાં તુલસીભઆઈની ચાલીમાં રહેતા ઉષાબેન મિશ્રાનું ગત મે-૨૦૧૭માં નરેન્દ્ર રાજુભાઈ શર્મા (શ્રીરામનગર, સચિન હાઉસીંગ, સુરત) સાથે લગ્ન થયું હતું. લગ્ન બાદ તે સંયુક્તકુટુંબવાળી સાસરીમાં રહેવા જતા તેમના પતિ સહિતના સાસરિયાઓએ તેમની પાસે દહેજની માગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. તેમનો પતિ દારૂનો નશો કરીને ઘરે આવી બળજબરીથી શારીરીક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો. આ અંગેની તેમણે સાસરિયાઓને જાણ કરતા તેઓએ એ તારો પતિ છે અને તું એની પત્ની છે અને પત્નીનું કામ છે પતિને ખુશ રાખે તેમ કહી મદદ કરવાનો ઈનકાર કર્યો હતો. પતિના વર્તનમાં સુધારો થાય તે માટે ઉષાબેનના પિયરિયાઓએ તેમના પત્ની ભાડાનું મકાન અપાવી દુકાનમાં નોકરીએ લગાવ્યો હતો પરંતું તે લોકડાઉન ખુલતા જ પત્નીનો ત્યાગ કરીને સુરત જતો રહ્યો છે. આ બનાવની ઉષાબેને તેમના પતિ નરેન્દ્ર તેમજ સસરા રાજુ ચંદ્રીકાપ્રસાદ, સાસુ રાનોબેન, જેઠ અજયભાઈ, જેઠાણી સંતોષબેન અને નણંદ પુજાબેન વિરુધ્ધ અત્રે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ ઝડપાયા

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં આવેલા ઇન્ગોરીયા પોલીસમથક ખાતે ગતવર્ષે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં માંજલપુર અલવા નાકા પાસેની કોતર તલાવડી નજીકના ગણેશનગરમાં રહેતા પ્રિન્સ રાજેશ ઠાકુર, ઓમ રાજેશ ઠાકુર અને કવિતા તુલસીદાસ ઠાકુર આરોપી ઠર્યા હતા. ગુનો નોંધાયો તે સમયથી આ ત્રણેય આરોપીઓ પોલીસની પહોંચથી દૂર હતા. તાજેતરમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ ત્રણેય આરોપીઓ વડોદરામાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ઠેર ઠેર તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમના નિવાસસ્થાન પાસે પણ વોચ ગોઠવવામાં આવી હતી. જેના પગલે આજે આ ત્રણેયને માંજલપુર વિસ્તારમાંથી જ પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને હવે ઈંદોરના ઇન્ગોરીયા પોલીસને સોંપવામાં આવશે.