લંડન-

કોરોના વાયરસની મહામારીથી દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓને કમરતોડ ફટકો પડ્યો છે. વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓ પૈકીનું બ્રિટનનું અર્થતંત્ર પણ નબળું પડ્યુ છે. બ્રિટનમાં બેરોજગારીની સમસ્યા વધી રહી છે. બ્રિટનમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં મધીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. જે એ વાતના સ્પષ્ટ સંકેત આપે છે કે બ્રિટિશ સરકાર તરફથી આપવામાં આવેલ વેતન-સમર્થન યોજનાને આ મહિના સમાપ્ત થયા બાદ દેશમાં બેરોજગારીના દરમાં ચિંતાજનક વધારો થઇ શકે છે.

બ્રિટનના આંકડાકીય વિભાગે આજે મંગળવારે કહ્યું કે, ઓગસ્ટમાં સમાપ્ત થયેલા ત્રણ મહિનાના દરમિયાન બેરોજગારોની સંખ્યા અગાઉના ત્રણ મહિનાની તુલનાએ 1,38,000 વધી છે. જેના પગલે બીજી બાજુ બ્રિટનમાં બેરોજગારીનો દર 4.1 ટકાથી વધીને 4.5 ટકા થઇ ગયો છે. અત્યાર સુધી બ્રિટનમાં સરકારની વેતન સમર્થન યોજનાના લીધે અમેરિકાની જેમ બેરોજગારોની સંખ્યા ઝડપથી વધી નથી.   બ્રિટનની સરકાર એવા કર્મચારીઓને સંપૂર્ણ વેતન આપી રહી છે જેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા નથી. બ્રિટનમાં લગભગ 12 લાખ લોકોએ આ વેતન સમર્થન યોજનાનો લાભ મેળવ્યો છે. 

સરકારને આ યોજના પાછળ લગભગ 40 અબજ પાઉન્ડ કે ૫૨ અબજ ડોલરનો ખર્ચ કરવો પડ્યો છે. એક સમયે બ્રિટનની 30 ટકા વસ્તી રજાઓ પર હતી. અલબત્‌, આ કર્મચારીઓ છેલ્લા કેટલાંક સપ્તાહથી કામકાજ કરી રહ્યા નથી, પરંતુ તેમને બેરોજગાર ગણી શકાય નહીં. બ્રિટનમાં સરકારની આ વેતન સમર્થન સ્કીમ ચાલુ મહિને ઓક્ટોબરમાં સમાપ્ત થઇ રહી છે. જેનાથી હાલ બળજબરી પૂર્વક રજાઓ મોકલવામાં આવેલા લોકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. આમ બ્રિટનમાં બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.