દિલ્હી-

સીમા સુરક્ષા દળએ રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર માદક પદાર્થો વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા ૫૬ કિલો ૬૦૦ ગ્રામ હેરોઇન જપ્ત કરી છે. જપ્ત હેરોઇનની બજાર કિંમત ૩૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બીએસએફે આ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ તસ્કરોના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધા હતા. બીએસએફ તરફથી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

તસ્કર સરહદ પારથી હેરોઇનની તસ્કરી એક પાઇપ દ્વારા કરી રહ્યા હતા. હેરોઇન પીસી પાઇપમાં નાખીને તારની બીજી તરફ ભારતીય સરહદમાં નાખવામાં આવી હતી. બીએસએફના જવાનોએ અડધી રાત્રે વાવાઝોડા વચ્ચે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. પાકિસ્તાની તસ્કર ભાગવામાં સફળ થયા હતા. બીએસએફ ડીઆઇજી પુષ્પેન્દ્ર સિંહે જણાવ્યુ કે બીએસએફ પાસે પહેલા આ વિસ્તારનું ઇનપુટ હતું. જેની પર તમામ લોકો એલર્ટ હતા. બુધવારે અડધી રાત્રે ૨ વાગ્યે ખાજૂવાલાની બંદલી પોસ્ટ પાસે સરહદ પર બીએસએફની ૧૨૭ બટાલિયનના જવાનોને આભાસ થયો હતો કે સરહદ પર કઇક હરકત થઇ રહી છે. વાવાઝોડા વચ્ચે સરહદ પર થતી હરકતને જાેનારા ઉપકરણોના સહયોગથી પાકિસ્તાની તસ્કરોને શોધી લીધા હતા. પાકિસ્તાન તસ્કર ભારતીય તસ્કરોના ઇશારા પર પાઇપની મદદથી હેરોઇનને તારની નીચેથી ભારતીય સીમામાં ધકેલી રહ્યા હતા. જવાનોને તેનો અંદેશો થતા ફાયરિંગ કરી હતી તો પાકિસ્તાન અને ભારતના તસ્કર ફરાર થઇ ગયા હતા. હવે બીએસએફ સાથે અન્ય એજન્સીઓ આગળની તપાસ કરશે.