વડોદરા : એન.આર.આઈ.ના એક કરોડની કિંમતના બે ફલેટ પચાવી પાડનાર માથાભારે બિલ્ડર જગ્ગુ સામેની ફરિયાદો અને અખબારી અહેવાલ બાદ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જગ્ગુ પણ બિચ્છુગેંગના સૂત્રધારોની જેમ શહેર છોડી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ એન.આર.આઈ.એ પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં જગ્ગુને ‘માફિયા ડોન’ હોવાનું જણાવી માથાભારે તત્ત્વો સાથે મળી જઈ એમની મિલકત પચાવી પાડી હોવાનું જણાવી ન્યાયની માગ કરી છે. 

શહેરના પ્રતાપનગર સોનપાલ પેટ્રોલ પંપ પાછળ આવેલ રાફિયાના મકાન નં.૪૦૨-૪૦૩ વસીમ સલાઉદ્દીન તોરબાઅલી જાપાનવાળા કે જે ૮૦ વર્ષની ઉંમર ધરાવે છે. એમને બિલ્ડરને પૂરેપૂરી રકમ ચૂકવી દીધા બાદ દસ્તાવેજ પણ કર્યો હતો. પરંતુ બિલ્ડર બંને ફલેટનું કામ પૂરું કરતો નહોતો. પરિચિત વ્યક્તિ દ્વારા અપ્સરા સ્કાયલાઈનના બિલ્ડર અને બિચ્છુગેંગને આર્થિક મદદ કરી રક્ષણ મેળવનાર ‘જગ્ગુ’ ઉર્ફે રજબદ્દીન જેનુદ્દીન શેખને મળ્યા હતા અને રાફિયા પાર્કના મકાન નં.૪૦૨-૪૦૩નો કબજાે જલદી અપાવવા માટે વિનંતી કરી હતી.

એ જ સમયે અસલમ બોડિયો, મુન્નો તડબૂચ અને ‘જગ્ગુ’ સાથે મળીને કાવતરું રચ્યંુ હતું અને વરસોથી જાપાન સ્થાયી થયેલા અને ગુજરાતી નહીં જાણતાં વસીમભાઈ પાસેથી મકાનનો કબજાે મેળવવા માટે પાવર ઓફ એટર્ની મેળવવાના બહાને ગુજરાતીમાં સેલડીડ તૈયાર કરાવી લીધું હતું અને નોટરીને હાજર રાખી સહી કરવાનું કહેતાં વસીમભાઈને શંકા ગઈ હતી, ત્યારે ‘જગ્ગુ’એ બંદૂકની અણીએ ધાકધમકી આપી સહી કરાવી લીધી હતી. આ બનાવ અંગે વસીમભાઈએ તા.૧૨-૬-૨૦૧૮એ વાડી પોલીસ મથકે અરજી કરી હતી અને તપાસની માગ કરી હતી. વાડી પોલીસે વસીમભાઈની અરજીની તપાસ કરી નહોતી. પરંતુ નિવેદન લેવાના બહાને વસીમભાઈ સામે છેતરપિંડીની ખોટી ફરિયાદ નોંધી એમને પૂરી દીધા હતા. વાડી પીઆઈ કે.પી.પરમાર ઉપર બિચ્છુગેંગ દ્વારા દબાણ લાવી ‘જગ્ગુ’ને ફરિયાદી બનાવી વસીમભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનરને રૂબરૂમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.બીજી તરફ પોતાની સામે ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ ઊભી થતાં  

વસીમભાઈએ હાઈકોર્ટમાંથી એમની સામે કાર્યવાહી અંગે મનાઈહુકમ મેળવ્યો હતો. આમ મકાનનો કબજાે લેવા માટે ગયેલા વૃદ્ધને બિચ્છુગેંગના સાગરિત ‘જગ્ગુ’ની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાથી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાયની માગ કરી હતી. 

પોલીસ કમિશનર સમક્ષ વૃદ્ધ એનઆરઆઈએ કરેલ ફરિયાદના અખબારી અહેવાલોના પગલે ક્રાઈમ બ્રાન્ચે મામલાની ગંભીર નોંધ લીધી છે અને ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં તપાસ દરમિયાન તથ્યો બહાર આવ્યા બાદ ગુનો નોંધાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.