ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે તા.૧૭/૦૫/૨૦૨૧ના રોજ સન ૨૦૨૧-૨ર ના વર્ષ માટેની વિધાનસભાની જુદી જુદી નાણાકીય અને બિન-નાણાકીય સમિતિઓની રચનાની જાહેરાત કવામાં આવી છે. આ તમામ નાણાકીય અને બિન-નાણાકીય સમિતિઓની રચનાની જાહેરાત પત્રક ભાગ-૩ થી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ ૧૫૬(૧) અન્વયે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નીચે દર્શાવેલ સભ્યોની સંબધિત સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નિયમો માટેની સમિતિ અને ગ્રંથાલય સમિતિના પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અંદાજ સમિતિના પ્રમુખ તરીકે બાબુભાઈ બોખીરિયા, જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે પુંજાભાઈ વંશ, જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ તરીકે ડૉ. નિમાબેન આચાર્યની નિમણૂક કરાઈ છે. જ્યારે પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે કિરીટસિંહ રાણા, બિન-સરકારી સભોના કામકાજ માટેની સમિતિના પ્રમુખ તરીકે ઝંખના પટેલ, ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે દુષ્યંત પટેલ, સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિના પ્રમુખ તરીકે વલ્લભ કાકડિયા, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે નરેશ પટેલ, સભાગૃહની બેઠકમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના પ્રમુખ તરીકે અર્જુનસિંહ ચૌહાણ, સદસ્ય નિવાસ સમિતિના પ્રમુખ તરીકે પિયુષ દેસાઈ, સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિના પ્રમુખ તરીકે બાબુભાઈ જમનદાસ પટેલ, અરજી સમિતિના પ્રમુખ તરીકે પ્રવીણ ઘોઘારી, વિશેષાધિકાર સમિતિના પ્રમુખ તરીકે રાકેશ શાહ, સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિના પ્રમુખ તરીકે જીતેન્દ્ર સુખડિયા, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે મનીષા વકીલ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે શંભુજી ઠાકોરની નિમણૂક કરાઈ છે.