ગોધરા

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કરોડ રૂપિયાના ખર્ચે નવીન રસ્તાઓ બની રહ્યા છે. પરંતુ પાલિકાના અધિકારીની બેદરકારીને લીધે રોડ બન્યા બાદ યોગ્ય ચકાસણી ન કરતાં થોડા સમયમાં રોડ ખડધજ બની રહ્યા છે. લાખો રૂપીયાના ખર્ચે તાજેતરમાં શહેરા ભાગોળ વિસ્તારનો આર.સી.સી રોડ બનાવ્યો હતો. પરંતું ૨૩ દિવસમાં જ રોડ તૂટી ગયો હતો. શહેરા ભાગોળ બાદ નારી કેન્દ્ર પાસે લાખો રૂપિયાના ખર્ચે નવીન આરસીસી રોડ બન્યો હતો. આ રોડ બે માસમાં જ રોડ ઉપરની સપાટી ઉખડી જતા કપચીઓ દેખાઇ રહી છે.કોન્ટ્રાકટર અને અધિકારીની મિલીભગતના કારણે નારી કેન્દ્રથી હનુમાનજી મંદિર સુધીનો રોડ બે માસમાં ખખડધજ થઇ જતાં સ્થાનિક રહીશોમાં રોષ જાેવા મળ્યો હતો. સ્થાનિક રહીશે નગરપાલિકામાં લેખિત અરજી કરી કે નારી કેન્દ્ર પાસેનો રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવતાનો વાળો રોડ બનાવ્યો હોવાથી રોડની ઉપરની સપાટી ઉખડી જતાં કપચી બહાર નીકળી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. અને રસ્તા પર આડેધડ અડધા બમ્પ મુકતાં આવતા જતાં વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. લેખિત રજૂઆતમાં હલકી ગુણવતાના રોડની તાત્કાલિક એસીબીની તપાસની માગ કરી હતી. તેમજ નવેસરથી સારો રોડ બનાવવા અપીલ કરી હતી. કોન્ટ્રાક્ટરને રોડ બનાવતી વખતે સોસાયટીના પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જણાવ્યા છતાં રોડ બનાવી દેતાં ચોમાસામાં પાણીનો ભરાવો થઇ જશે તો ભારે નુકસાન થશે તેવી લેખિત રજૂઆત સ્થાનિક રહીશ જયપાલસિંહ સોલંકીએ કરી હતી.

એક બાદ એક રોડ ખખડધજ બની રહ્યા છે

શહેરા ભાગોળ પાસેના રોડ તૂટી જતાં માજી સાંસદે રજૂઆત કરવા પાલિકા તાત્કાલિક રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે નારી કેન્દ્ર પાસેના રોડની હાલત પર શહેરા ભાગોળ જેવી બનતાં શહેરમાં કરોડના ખર્ચે નવીન રોડ બની રહ્યા છે. એક બાદ એક રોડ તૂટી જવાના બનાવને લઇને રોડની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તો ચીફ ઓફિસર નવીન બનેલા રોડનું યોગ્ય નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રોડના નાણાં ચૂકવે તેવી માગ ઉઠી છે.