વલસાડ-

વલસાડના ધરમપુર રોડ પર દિશા વિહિન થયેલી એક યુવતીને શી ટીમે પુછતાછ કરી તેના ધરમપુર રહેતા કાકા સાથે મેળાપ કરાવી એક ઉમદા કાર્ય કર્યું છે. જેને લઇ સમગ્ર પોલીસ બેડામાં શી ટીમની સરાહના થઇ રહી છે. 

વલસાડ ધરમપુર ચોકડી પર રાત્રી દરમિયાન દિશા વિહીન થયેલી એક મરાઠી યુવતી મુસાફરોને કંઇ પુછી રહી હતી. જોકે, ગુજરાતી જાણતા ન હોવાના કારણે યુવતી કંઇ સમજી શકતી ન હતી. ત્યારે આ મામલે વલસાડ શી ટીમને માહિતી મળી હતી. આ માહિતી મળતાની સાથે જ શી ટીમ ત્યાં આવી ગઇ હતી અને મહિલાને નામ પુછતા તેનું નામ સલમા ઉર્ફે સહેનાઝ અકબર અલી શાહ પાલઘર મહારાષ્ટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતુ. તે મજૂરી કરે છે અને ચિખલી તેની બહેનને ત્યાં જઇ રહી હતી. જોકે, તેણી ચિખલીથી વલસાડ આવીને અટવાઇ ગઇ હતી. તેની પાસે રૂ. 50 જ હતા અને મોબાઇલ પણ ન હતો. ત્યારે તેણી ક્યાં જાય અને શુ કરે એ સમજી શકતી ન હતી. ત્યારે શી ટીમે તેની સાથે મરાઠીમાં વાત કરી તેના ધરમપુર રહેતા કાકા અનવર ફકીર મહમદ શેખ હોવાનું જાણી તેમને બોલાવી તેમને સહિ સલામત સુપ્રત કરી હતી.