ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર કાર સળગીઃમુસાફરોનો બચાવ
03, જુલાઈ 2021

રાજકોટ, રાજકોટમાં વાહન સળગવાની ઘટના અવારનવાર સામે આવે છે. ત્યારે આજે ગોંડલ નજીક ભરૂટી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો કાર ભડભડ સળગી ઉઠી હતી. આથી અંદર રહેલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. પરંતુ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સમયસુચકતા વાપરી તમામ મુસાફરોને જીવના જાેખમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આથી મોટી જાનહાનિ ટળતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ઇકો કાર સળગીને ખાખ થઇ ગઈ હતી. ઇકો કાર સીએનજી હોવાથી આગ વધુ પ્રસરી હતી. સીએનજી લિક થવા લાગતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાેકે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ ગોંડલથી ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇકો કારમાં આગ લાગવાની ઘટનાને કારણે લોકોના ટોળા અકત્ર થઇ ગયા હતા. લોકોએ આગને દૂરથી જ નીહાળી હતી. તેમજ નેશનલ હાઇવે હોવાથી લાંબો ટ્રાફિકજામ થયો હતો. પોલીસ દોડી આવતા જ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઇકો કાર ટોલ પ્લાઝા પર ઉભી રહેતા જ સળગવા લાગી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution