29, મે 2022
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામના ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરી રૂપિયા ૮.૪૦ કરોડ જેવી માતબર રકમ ન ચૂકવવામાં આવતા ખેડૂતે કુલ ૮ શખ્સો સામે છેતરપિંડી અંગેની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણ આરોપીને રૂપિયા ૪૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી તાલુકાનાં નાવીયાણી ગામે ખેડુત સાથે છેતરપીંડીના કેસ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા આ સાથે ૩૨.૧૦ લાખ રોકડ પણ જપ્ત કરાયા હતા. પાટડી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં નાવીયાણી ગામના ખેડુત જેરામભાઇ દ્વારા દસ્તાવેજ કરી આપ્યા બાદ બાકી નિકળતી રકમ નહિ આપી છેતરપીંડી કયાઁની પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલાને અરજી કરી હતી પરંતુ સ્થાનિક પોલીસે ૧૪ દિવસ સુધી જમીન ખરીદનારને બોલાવી દસ્તાવેજ રદ કરવા દબાણ કરી દલાલોને બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેથી પાટડી પોલીસની કામગીરી પર અનેક શંકા અને આક્ષેપો થયા હતા આ તરફ જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા આઇ.જી સંદિપસિંહને સમગ્ર મામલો ધ્યાને આવતા ગંભીરતાથી તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા આદેશ આપવામા આવ્યા હતા જ્યારે ન છુટકે પાટડી પીએસઆઇ ફરીયાદ દાખલ કરવી પડી હતી જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ પણ ધ્રાંગધ્રા ડિવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિતને સોંપવામાં આવી હતી જે તપાસને લઇને જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ યુ.એલ.વાઘેલા દ્વારા તમામ આરોપીઓની શોધખોળ આદરી કુલ ૩ શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. આ ત્રણેય શખ્સોને ઝડપી પાડી તેઓની પાસે ૩૨.૧૦ લાખ રોકડ તથા ૧૦ લાખની બે કાર સહિત ૪૨.૧૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા કાયઁવાહી હાથ ધરી હતી.