સાવધાન: WhatsApp માં વીડિયો કોલ મારફતે બિભત્સ વીડિયો રેકોર્ડ કર્યા બાદ થતુ આવું..
16, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી વીડિયો બનાવી પૈસા પડાવતી મેવાતી ગેંગનાં આરોપીઓને સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડયા છે. રાજસ્થાનના અલવર ખાતેથી ઉરસદખાન રુજદારખાન મેવ તેમજ અંકુર કુમાર આહુજા નામનાં બે શખ્સોની ધરપકડ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

આરોપીઓએ સૌરાષ્ટ્રનાં યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના એક ફરિયાદી સાથે ફેસબુકના માધ્યમથી અંજલી શર્મા નામની એક ફેક આઈડી વાળી મહિલા સાથે સંપર્કમાં આવ્યા હતા અને પ્રથમ મિત્રતા કરી મેસેન્જરમાં વાતચીત કરી બાદમાં વીડિયો કોલિંગ કરવા માટે વ્હોટ્સએપ નંબરની આપ લે કરી વિડીયો કોલ કરી વિડીયોકોલમાં પોતે નગ્ન થઈ ફરિયાદી સાથે ચેટિંગ કરી તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિડીયો ઉતારી તુરંત જ તે વીડિયો ફરિયાદીને મોકલી 51 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને જો પૈસા આપવાની ના પાડે તો ફેસબુકમાં ફરિયાદીના ઘરના સભ્યો અને સગા સંબંધીઓને વિડીયો મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી.

ફરીયાદીએ શરૂઆતમાં 5000 રૂપિયા આરોપીઓનાં ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ વધુ પૈસાની માંગણી ચાલુ રાખતા ફરીયાદીએ સાઇબર ક્રાઈમ સેલ સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરતાં આ બાબતે આરોપીઓના મોબાઈલ નંબર અને IMEI નંબર ઉપર તેમજ ફેસબુક આઇડીના IP એડ્રેસ અને ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપીઓના નામ સરનામાં મેળવી સમગ્ર બાબતે બે આરોપીઓની ધરપકડ કરી છે..આરોપીઓ પાસેથી એટીએમ કાર્ડ તથા બે મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution