અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં ચોમાસાનો અંત થતા પહેલા ફરી એકવાર ચોમાસુ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, ચોમાસાની મધ્યમાં વરસાદ ખેંચાયો હતો પરંતુ આ પછી મેઘરાજાએ જતાં જતાં ગુજરાતમાં ફરી એકવાર બેટિંગ કરી છે. આજથી શરૂ થયેલા આ અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને મધ્ય ગુજરાતમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે રાજ્યમાં થન્ડર સ્ટ્રોમની ગતિવિધિ વધવાની પૂરતી શક્યતા રહેલી છે. 8મી સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ આગળ વધીને રાજસ્થાનની આજુબાજુમાં પહોંચે તેની સાથે જ મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો પ્રેસર વેલમાર્ક લો-પ્રેશરથી લઇ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે આગામી 8 મી સપ્ટેમ્બર થી 14મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતના આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવવા પરિબળો મજબૂત બનતા હોય છે જેના કારણે 20મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે.