અમદાવાદ-

રાજકોટ તથા વડોદરા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓના ચૂંટાયેલા કોર્પોરેટરની મૂદત પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા તા.22 -1-2021ના રોજ મ્યુનિ. કોર્પોરેટરની ચૂંટણી હાથ ધરવામાં આવેલ હતી. મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ ચુંટાયેલા કોર્પોરેટરની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવાની હોય છે.રાજકોટ અને વડોદરામાં બેઠક માટેની જાહેરાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરએ પ્રથમ બેઠક માટેની અગાઉ જાહેર થયેલી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, 12ના રોજ શુક્રવારે સવારે 11.00 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યની નિમણુંક કરવા બોલાવેલ છે. જેની નોટિસ દરેક કોર્પોરેટરને મોકલી આપવા મ્યુનિસિપલ સેક્રેટરીને સૂચના આપવામાં આવેલ છે.આ ઉપરાંત વડોદરામાં પણ તારીખ 11 ના બદલે 10 માર્ચે આ બેઠક યોજવામાં આવશે. જે અંગે તમામ કોર્પોરેટરને સૂચનાઓ પહોંચતી કરી દેવામાં આવી છે.