રાજકોટ રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે પીજીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી પીજીસીએલની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન ૨ હેઠળ માધાપર, રૈયા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ ૨૬ ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ ૩૮.૫૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ૧૮.૨૧ લાખની અને ગઇકાલે એટલે કે, બીજા દિવસે ૨૦.૩૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકીંગ ડ્રાઈવ નવેમ્બર મહિનામાં પણ ચાલુ રાખી આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફરી વહેલી સવારથી સિટી ડિવિઝન ૨ હેઠળ આવતા ભારતીનગર, મોચીનગર, શ્યામનગર, ગાંધીનગર, જીવંતિકાપરા, સહિત ૨૦ જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૪ ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ ૪ વીડિયો ગ્રાફર, ૭ એસઆરપી મેન, ૮ લોકલ પોલીસ અને ૧૦ નિવૃત આર્મીમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.છેલ્લા બે દિવસમાં કુલ ૩૮.૫૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં સોમવારના રોજ સિટી ડિવિઝન ૧ હેઠળ વિસ્તારોમાં ૩૦ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ ૬૮૫ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૭ કનેક્શનમાંથી ૧૮.૨૧ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે ગઇકાલે મંગળવારના રોજ સિટી ડિવિઝન ૩ હેઠળ વિસ્તારોમાં ૨૮ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ ૬૬૪ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૧ કનેક્શનમાંથી ૨૦.૩૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. પીજીસીએલના ચેકીંગ સ્ક્વોડ ઈજનેર એસ.એસ.ડોઢીયાએ જણાવ્યું હતું કે, દરરોજ અલગ અલગ જગ્યાએ અમારા દ્વારા વીજ ચેકીંગ કરી વીજચોરી અટકાવવા કામગીરી કરવામાં આવતી હોય છે.