ગાંધીનગર, હૈદરાબાદ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં સિંહમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળતા રાજ્યનું વન વિભાગ સાબદું બન્યું છે. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ગીરના એશિયાટિક સિંહ કોરોનાથી સંક્રમિત ન બને તે માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા રાજ્યના સાસણગીર, દેવળિયા સફારી પાર્ક, સેન્ચૂરી, નેશનલ પાર્ક સહિતના અભયારણ્યને બંધ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાતના ગૌરવ એવા સિંહ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટેની કામગીરી આરંભી દેવાઈ હોવાનું સાસણ ગીરના મુખ્ય વન સંરક્ષક (સીસીએફ) ડી. ટી. વસાવડાએ જણાવ્યું છે.

આંધ્ર પ્રદેશના હૈદરાબાદ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું હતું. આ ઘટનાના પગલે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ગુજરાતના સાસણ ગીરના એશિયાટિક સિંહને કોરોનાથી બચાવવા માટેની કામગીરી વન વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. આ અંગે સાસણ ગીરના મુખ્ય વન સંરક્ષક-સીસીએફ ડી. ટી. વસાવડાએ જનસત્તા-લોક્સત્તાને જણાવ્યું હતું કે, હૈદરાબાદની ઘટનાના પગલે સાસણ ગીર સહીત ગુજરાતમાં વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ સાસણ ગીર, સેન્ચુરી, દેવળિયા સફારી પાર્ક, નેશનલ પાર્ક સહિતના વિવિધ અભયારણ્ય અને પ્રાણી સંગ્રહાલયોને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ખાસ કરીને સાસણ ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં વસવાટ કરી રહેલા સિંહોનું સતત નિરીક્ષણ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એનિમલ રેસ્ક્યૂ સેન્ટરો અને એનિમલ હોસ્પિટલને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વન વિસ્તારમાં ફરતા એનિમલ કિપર, ટ્રેકર્સ, સહિતના કર્મચારીઓને પણ તકેદારીના ભાગરૂપે કોરોના ટેસ્ટિંગ કરાવવા તેમજ કોરોનાની રસી લેવા માટે આદેશ કરાયા છે.