છત્તીસગઢ ગોબર ખરીદનાર પહેલું રાજ્યઃ યોજનાનો શુભારંભ
20, જુલાઈ 2020

રાયપુર-

ખેડૂતોના લાભાર્થે ગાયનું છાણ (ગોબર) ખરીદવાની પોતાની યોજનાનો છત્તીસગઢ સરકારે આજે અમલ શરૂ કર્યો હતો. હરિયાલી અમાસ નિમિત્તે રાયપુરમાં યોજાએલા એક સમારોહમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે આ યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના શરૂ કરવાની જાહેરાત ગયા મહિને બધેલે કરી હતી ત્યારે કહ્યું હતું કે આવતા મહિને આ યોજના શરૂ થશે. 

તદનુસાર આજે આ યોજનાના શ્રીગણેશ મંડાયા હતા. રાજ્ય સરકાર ગોધન ન્યાય યોજના અન્વયે ગોબર ખરીદશે. એ માટે ગોબરની કિલો દીઠ કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. આ પ્રકારની યોજના શરૂ કરનારું છત્તીસગઢ દેશનું પહેલું રાજ્ય છે. બધેલે કહ્યું કે રાજ્યના દરેક ગામમાં ગોઠાન સમિતિ અને સ્વયંસેવી સંસ્થા શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને વર્મી કલ્ચર ધરાવતું પૌષ્ટિક ખાતર મળી રહે એવા હેતુથી બે રૂપિયે કિલો ગોબર ખરીદીને એના દ્વારા વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. ગોબરમાંથી બનનારું વર્મી કલ્ચર ખાતર આઠ રૂપિયે કિલોના હિસાબે ખેડૂતોને પૂરું પાડવામાં આવશે.

બધેલના એક સનદી અધિકારીએ કહ્યું કે, રાજ્યમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક ખાતર દ્વારા પેદા થતા આરોગ્ય માટે નુકસાનકારક અનાજથી લોકોને બચાવવા આ યોજના શરૂ કરાઇ હતી. શહેરી વિસ્તારોમાં ૩૭૭ અને ગ્રામ વિસ્તારોમાં ૨૪૦૮ ગોઠાનમાં ગોબરની ખરીદી કરવામાં આવશે. તબક્કાવાર રાજ્યની ૧૧,૬૩૦ ગ્રામ પંચાયતોમાં એકવાર ગોઠાન રચાઇ જાય ત્યારબાદ ત્યાં પણ ગોબર ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution