વાવાઝોડા ‘તૌકતે’ની સ્થિતિની તેયારી અંગે મુખ્યમંત્રી રૂપાણીએ સમિક્ષા કરી
16, મે 2021

ગાંધીનગર, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘તૌકતે’ની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા આજે સાંજે ગાંધીનગર ખાતે કોર કમિટીની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વહીવટી તંત્રને ઝીરો કેઝ્‌યુઆલિટીના એપ્રોચ સાથે તમામ તૈયારીઓ કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ કે જ્યાં આ વાવાઝોડાની મહત્તમ અસર થઈ શકે છે, તેવા જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવા ઉપર મુખ્યમંત્રી રૂપાણીએ ભાર મૂક્યો હતો. દરિયાકિનારાના વિસ્તારમાં રહેતા અને દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને તાત્કાલિક સુરક્ષિત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા અંગે સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજકુમાર અને એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution