જામનગર, જામનગરમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા તા.૫-૭-૨૦૨૧ના રોજ થનારા એક બાળ લગ્ન થતા પહેલા જ અટકાવવામાં આવ્યા છે. જામનગરના અલિયાબાડા ગામમાં સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા તા. ૬-૭-૨૦૨૧ ના રોજ થનાર બાળ લગ્નની તૈયારીઓ ચાલતી હોય થનારા બાળ લગ્ન તાઃ ૩-૭-૨૦૨૧ ના રોજ અટકાવી બાળકોના જીવનને બચાવવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળ લગ્ન થતા અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરીકે ચાઈલ્ડ લાઈનને જામનગરના અલિયાબાડા ગામમાં તા.૫-૭-૨૦૨૧ ના રોજ યોજાનારા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે જીલ્લા સમાજ સુરક્ષાની અને જીલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે રાખીને અલિયાબાળા ખાતે તા. ૩-૭-૨૦૨૧ ના રોજ પહોંચી ગઈ હતી.

ઘટના સ્થળે ૨૧ વર્ષથી નીચેની ઉમરના સગીરના લગ્નનું તા.૫-૭-૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ અંદાજે ૨૦ વર્ષના સગીર અને તેમના માતા-પિતાને તા.૩૦-૭-૨૦૨૧ ના રોજ સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને જેનું ઉલ્લંઘન કરવાથી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પ્રાર્થનાબેન શેરશીયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા, અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણના સમજાવ્યા બાદ સગીર યુવકના માતા-પિતા માની ગયા હતા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવકની ઉંમર જ્યારે ૨૧ વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન યોજનાર પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી.