દિલ્હી-

વિશ્વમાં દર મહિને 10,000 કરતાં વધુ નાના બાળકો કોરોના વાયરસના રોગચાળાને લીધે ભૂખથી મરી રહ્યા છે. યુએનના રિપોર્ટમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગામમાં ઉત્પન્ન થતાં ઉત્પાદનો બજારમાં પહોંચી શકતા નથી અને ગામોને અન્ન અને તબીબી મદદ મળી નથી શકતી.

આ અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાયરસથી થતાં ખાદ્ય પુરવઠાના અભાવને લીધે એક વર્ષમાં 1,20,000 બાળકોના મોત થઇ શકે છે.સંયુક્ત રાષ્ટ્ર અનુસાર દર મહિને 5,50,000 થી વધુ બાળકો કુપોષિત બને છે. સંયુક્ત રાષ્ટ્રની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે વધતા કુપોષણને કારણે લાંબા ગાળાના પરિણામો જાેવા મળી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ન્યુટ્રિશન ચીફ ફ્રાન્સિસ્કો બ્રાન્કાના જણાવ્યા અનુસાર, કોવિડ કટોકટીની ખાદ્ય સુરક્ષાની અસર હવેથી ઘણા વર્ષો સુધી દેખાશે. તેઓએ કહ્યુ કે આને સામાજિક અસરમાં ગણવામાં આવશે. લોકડાઉનને કારણે ખાદ્ય અને તબીબી સહાય બજારો અને ગામોમાં પહોંચી રહી નથી. સંયુક્ત રાષ્ટ્રએ આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા રાષ્ટ્રોને વિનંતી કરી છે.

ઉદાહરણ તરીકે આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં પાંચમાંથી એક બાળક ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યુ છે. આ દેશની વસ્તી બે કરોડ છે અને કરોડ લોકોને પૂરતો ખોરાક નથી મળતો.એપ્રિલ મહિનામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બિસ્લેએ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસને કારણે અર્થતંત્રમાં નબળાઇ વૈશ્વિક દુષ્કાળનું કારણ બનશે.