24, ફેબ્રુઆરી 2021
દિલ્હી-
ચીને ગલવાન ખીણમાં માર્યા ગયેલા સૈનિકોના અપમાનના આરોપમાં ત્રણ બ્લોગર સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે. લદ્દાખની ગલવાન ખીણમાં ગયા વર્ષે 15મી જૂને ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સંઘર્ષ બાદ હિંસા થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થઈ ગયા હતા. વિશ્વ મિડિયાએ જણાવ્યું હતું કે એ દરમિયાન ચીનના 45 સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે 8 મહિના બાદ ચીને અધિકૃત રીતે માત્ર ચાર જ જવાનો માર્યા ગયા હોવાની વાત સ્વીકારી હતી.
ચીની સરકારને સવાલ નથી પૂછી શકાતો
જે લોકોની ધરપકડ કરાઈ છે તેમાં એક પત્રકાર ક્યુ જિમિંગનો પણ સમાવેશ થાય છે. તેમને નાનજીંગ પ્રાંતથી પકડી લેવાયા હતા. તેમણે સોશ્યલ મિડિયા પર માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાણવા માટે સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે સૈનિકો માર્યા ગયા છે અને જે કમાંડર ગંભીર રીતે ઘવાયા છે, એ બધાની ઓળખ જાહેર કરવી જોઈએ. ચીનના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ બીવો પર તેમના 25 લાખ ફોલોઅર્સ છે. ચીનમાં ટ્વિટરની જગ્યાએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ બીવો જ ચાલે છે.

સરકારે આટલો બધો સમય શા માટે લીધો
તેમણે સોશ્યલ મિડિયામાં સરકારની નિયત પર સવાલ કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, સરકાર એ કહે કે જ્યારે ભારતે આ ઘટના પછી પોતાના શહિદ સૈનિકોની માહિતી જાહેર કરી દીધી હતી તો પછી આપણી સરકારે એ માહિતી જાહેર કરવામાં આઠ મહિના કેમ લીધા. ક્યાંક એવું તો નથી ને કે ભારતે ઓછું નુકસાન કરીને મોટો ફાયદો મેળવી લીધો હોય. તેમની ધરપકડ પછી પોલીસે કહ્યું હતું કે, તેઓ સોશ્યલ મિડિયા પર ખોટી માહિતી આપે છે. તેમણે આપણા સૈનિકોનું અપમાન કર્યું છે. એક અખબારી હેવાલમાં કહેવાયું છે કે, ક્યુએ પોતાના પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા છે, અને તેમનું સોશ્યલ મિડિયા અકાઉન્ટ બંધ કરી દેવાયું છે.

અન્ય લોકો પર પણ પગલાં લેવાયા
આ જ બાબતે વીટેચ પર પોસ્ટ કરનારા એક 28 વર્ષના બ્લોગરની પણ ધરપકડ કરી લેવાઈ છે. તેની સરનેઈમ ચેન હોવાનું કહેવાયું છે. એવો આરોપ છે કે, આ બ્લોગરે પણ ભારતમાંની ઘૂસણખોરી અને ચીનના માર્યા ગયેલા સૈનિકો બાબતે જૂઠી માહિતી ફેલાવી હતી. એ ઉપરાંત એક અન્ય બ્લોગરને સિચુઆન પ્રાંતથી ઝડપી લેવાયો હતો. બાકીના ચાર લોકો અંગે હાલમાં કોઈ માહિતી જાહેર કરાઈ નથી.