બિજીંગ-

જૈશ-એ-મોહંમદના ટોચના ત્રાસવાદી વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાની ભારતની માંગ આડે અવરોધો ઊભા કરવાના ઈરાદાથી ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરીષદમાં ભારતને આંતકવાદ-વિરોધી ખાતામાં નિર્ણાયક હોદ્દો ન મળે એ માટે ભારે પ્રયાસો ચાલુ રાખ્યા હોવાનું રાજદ્વારી સૂત્રો જણાવે છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેની ગયા અઠવાડિયે જાહેરાત થઈ હતી એ રાષ્ટ્રસંઘની ત્રાસવાદ-વિરોધી સમિતિ અને લિબિયા તેમજ તાલિબાન પ્રતિબંધ સમિતિમાં ભારતને અધ્યક્ષ સ્થાન મળ્યું છે, પરંતુ જે સમિતિ પાસે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓ જેવા કે, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ પર કે પછી લશ્કર-એ-તૈયબા જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે, એવી અલ-કાયદા પ્રતિબંધ સમિતિમાં ચીનના વિરોધને પગલે ભારતને સમાવાયું નથી. પાકિસ્તાનના ઈશારે ચીને ભૂતકાળમાં પણ અનેકવાર પઠાણકોટના આ માસ્ટરમાઈન્ડ હુમલાખોર આતંકવાદીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ત્રાસવાદી જાહેર કરવા નથી દીધો. ખાસ કરીને 2019માં ભારતના પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ અમેરીકા, ફ્રાંસ અને બ્રિટન દ્વારા દબાણ હોવા છતાં ભારત આ હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવવામાં નાકામ રહ્યું હતું.