25, જાન્યુઆરી 2021
બિજીંગ-
ભારત જેની સામે અનેક મોરચે લડી રહ્યું છે, એવા પાડોશી દેશ ચીને હવે એક નવી મુસીબત ઊભી કરી છે. દુનિયાભરમાં વેક્સીન સંશોધનક્ષેત્રે કાઠું કાઢનારા ભારતની અદેખાઈ કરતા ચીને હવે ભારતની રસી સામે અવળો પ્રચાર શરુ કરી દીધો છે. દક્ષિણ એશિયામાં ચીનના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સમાં ભારતના વેક્સીનેશન કાર્યક્રમ વિશે ઘસાતું લખાયું છે.
યાદ રહે કે ભારતે ઘરઆંગણે રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યા બાદ પોતાના કેટલાંક પાડોશી દેશો જેવા કે, નેપાળ, ભૂટાન કે બાંગ્લાદેશને રસી મોકલીને મદદરુપ થવા પ્રયાસ કર્યો છે. જો કે, તેમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ નથી. છતાં ભારતે શ્રીલંકાને વચન આપ્યું છે કે, આગામી 27મીએ એ તેને 5 લાખ ડોઝનું દાન કરશે, સાથે જ અફઘાનિસ્તાનને પણ વચન આપ્યું છે કે, સીરમ ઈન્સ્ટીટ્યુટની રસીને ઘર આંગણે બાકીના ડેટા માટે માન્યતા મળી જાય કે તરત જ તેને પણ રસી મોકલવામાં આવશે. આમ ભારતે પોતાના પાડોશી દેશોને મદદરુપ થવા આ પગલું ભર્યું છે, પરંતુ ચીન તેની આડાઈમાંથી બહાર નથી આવતું અને ભારતની આવી પરોપકારી પ્રવૃત્તિ બાબતે પણ અવળો પ્રચાર કરી રહ્યું છે.
ભારતના આવા વેક્સીન મૈત્રી પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે અને હવે તેણે એવો પ્રચાર કર્યો છે કે, સીરમ ઈન્સ્ટીટ્યુટ ખાતે હવે આગ લાગ્યા પછી ભારતની રસી ઉત્પન્ન કરવાની તાકાત જ નથી રહી. સાથે જ તેણે એવી બડાશ હાંકી છે કે, ચીનમાં રહેલા ભારતીયો ચીનની રસીને વધાવી રહ્યા છે. દવાની બાબતની એક સંસ્થાને ટાંકીને એક સમાચાર સંસ્થાએ હેવાલ આપ્યો હતો કે, એસઆઈઆઈએ તેનો જરૂરી ડેટાનો અભ્યાસ નહોતો કર્યો અને તેથી તેની રસીને માન્યતા આપવામાં ઉતાવળ કરવામાં આવી છે. ચીન જ્યાં પોતાનું આર્થિક કે રાજકીય પ્રભુત્વ ઠોકી બેસાડવા પ્રયાસો કરી રહ્યું છે એવા પાડોશી દેશોમાં ચીનની રસી આપવાની ક્યાંય કોઈ હિલચાલ ચીન કરતું નથી. નેપાળમાં હજી તેની રસીને માન્યતા મળી નથી અને માલદિવ્ઝમાં સરકારે કહ્યું હતું કે, ચીનની કોઈ રસીને માન્યતા આપવાનો પ્રસ્તાવ નથી.
એક અગ્રણી સમાચાર સંસ્થાએ હેવાલ આપ્યો હતો કે, બાંગ્લાદેશમાં ચીન સાથે રસી બાબતે એવી મડાગાંઠ પડી છે કે, ચીન બાંગ્લાદેશને રસીનું ઉત્પાદન મુલ્ય આપવા દબાણ કરે છે, અને તે ન અપાતાં ચીન તેને રસી મોકલતું નથી. નેટીઝન્સને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, સીરમ ઈન્સટીટ્યુટમાં આગ લાગ્યા બાદ હવે ક્વોલીટી રસી બનાવવાનું ભારતનું ગજું નથી અને તેની ઉત્પાદનક્ષમતાનો ભારતની રસી બાબતની મહત્વાકાંક્ષા સાથે કોઈ મેળ નથી બેસતો.