07, માર્ચ 2022
વડોદરા, તા.૬
શહેરમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો અટકાવવા માટે પોલીસના અથાગ પ્રયત્નો છતાં બૂટલેગરો અવનવા કીમિયા અજમાવી દારૂ લાવતા હોય છે. ત્યારે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈ બરોડા ડેરીના દૂધના ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો શહેરમાં લાવતા નેટવર્કને પીસીબીએ ઝડપી પાડી ટેમ્પો સહિત બે જણાની ધરપકડ કરી દારૂના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે, અવનવા કીમિયા અને જુદી જુદી રીતે શહેરમાં લવાતા દારૂના જથ્થાને અટકાવો. જેને લઈને પીસીબીના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાન્ત અને દીપેશ સિંઘને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો દૂધના ટેમ્પોમાં ચોરખાનું બનાવી ઈંગ્લિશ દારૂનો જથ્થો શહેરમાં ઘૂસાડી રહ્યા છે. તાજેતરમાં સાઉથની ફિલ્મ ‘પુષ્પા’માં ચંદનના લાકડાંની ગેરકાયદેસર હેરાફેરી માટે દૂધના ટેન્કરનો ઉપયોગ કરાતો હતો એ ફિલ્મમાં પણ આ કૌભાંડ પોલીસના હાથે ઝડપાઈ જાય છે. આજે વડોદરામાં દારૂ લવાતો હોવાની બાતમી ગુના નિવારણ શાખાને મળી હતી.
જેના પગલે પીસીબીની ટીમના દેવેન્દ્ર અને દીપેશ સિંઘે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર એલ એન્ડ ટી નોલેજ સિટી પાસે વોચ ગોઠવી હતી. બરોડા ડેરીના દૂધના ટેમ્પોને અટકાવી તપાસ કરતાં એમાંથી ૩ લાખ ૭૪ હજારની કિંમતની ૩૭૪૪ નંગ દારૂ-બિયરની બોટલો મળી આવી હતી, જે જપ્ત કરી પોલીસે આ મામલે પુષ્કર ગણેશલાલ રહે. ગામ તારાવટ, વલ્લભનગર, જિ. ઉદયપુર-રાજસ્થાન અને વાનીહામ સુખલાલ પટેલ રહે. ગામ બેસરાકલા, જિ. ઉદયપુર-રાજસ્થાન અને આ મામલે સપ્લાયર રાજુ પટેલ રહે. ઢાવા-રાજસ્થાન અને રામલાલ પટેલ રહે. રાજસ્થાનને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત કુલ રૂા.૭ લાખ ઉપરાંતનો મુદ્ામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન દૂધ સપ્લાય ટેમ્પો નં. જીજે ર૩ વાય ૮૭૩૭નો માલિક નરવતસિંહ અભેસિંગ બારિયા રહે. વઢેલ ફળિયું, ચલાલી, જિ. પંચમહાલ હોવાનું બહાર આવ્યું છે.