વડોદરા, તા.૨૪

વિશ્વામિત્રી નદીમાં અત્યંત ઝેરી કેમિકલ ઠાલવવાનું લાંબા સમયથી કૌભાંડ ચાલતું હતું. આ અંગે જિલ્લા પોલીસને લાંબા સમયથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં અંતે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ થતાં સીઆઈડીની ટીમે ઝેરી કેમિકલ ઠાલવતી બે ટેન્કરોને ઈંટોલા નજીકથી વિશ્વામિત્રીના કિનારે દરોડો પાડી ઝડપી પાડી હતી. પોલીસે આ અંગે ઈપીકો અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમન અને પાણી પ્રદૂષણ અધિનિયમન હેઠળ ૧૧ સામે ગુનો નોંધીને ઝડપી પાડયા છે, જ્યારે બાકીનાને ફરાર જાહેર કર્યા છે.

શહેર નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અન્ય સ્થળોએથી અત્યંત ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું. મકરપુરા પોલીસ મથકની હદમાં અગાઉ જાંબુઆ નજીકથી એસઓજીએ ટેન્કરો ઝડપી લીધા બાદ આ પ્રવૃત્તિ કરનારાઓએ વરણામા પોલીસ મથકની હદમાં ઈંટોલા નજીકથી પસાર થતી નદીમાં પર્યાવરણને ભયંકર નુકસાન કરનાર અને નદીનું પાણી ઝેરી બનાવતા કેમિકલ ઠાલવવાનું શરૂ કર્યું હતું. આ માટે ઈંટોલા ગામના માથાભારે ભાવેશ રબારી કે જે અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું કહેવાય છે, એનો સંપર્ક કર્યો હતો અને એક ટેન્કર ખાલી કરવા માટે રૂા.૩ લાખ નક્કી કરાયા હતા. ભાવેશે આ માટે નદીના કિનારે સૂમસામ જગ્યા ઉપર અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાખી વાલ્વ ફીટ કર્યા હતા. ટેન્કર આવીને પાઈપલાઈનમાં કેમિકલ નાખે અને વાલ્વ ખોલે તો ઝેરી કેમિકલ સીધું વિશ્વામિત્રી નદીમાં ઠલવાતું હતું.

રોજની બેથી ત્રણ ટેન્કરો ખાલી થતી હોવાથી નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. આસપાસના ગામોના રહીશોની જિલ્લા પોલીસને અનેક રજૂઆતો - ફરિયાદો થઈ હતી. પરંતુ મિલીભગતના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાથી અંતે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને રજૂઆત થઈ હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો હતો. અમદાવાદ પાસિંગની બે ટેન્કરો નં. જીજે ર૭ વી ૮૨૩૪ અને જીજે ૧ ડીવાય ૨૦૫૭માં અત્યંત ઝેરી કેમિકલો લાવી ઈંટોલા નજીક ઠાલવતા હતા, એ દરમિયાન સીઆઈડી ટીમ ત્રાટકી હતી, એ સમયે મોટીચોરમાંથી કેમિકલચોર બનેલો માથાભારે ઈંટોલાનો ભાવેશ રબારી પોતાની સફદ કલરની ઈકો સ્પોર્ટ કારમાં બીજા ત્રણ ઈસમોને લઈને હાજર હતો, પરંતુ પોલીસની ટીમ જાેઈ ભાગી છૂટયો હતો.

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ઈપીકો કલમ ૩૦૮, ૨૭૭, ૨૭૮, ૨૮૪, ૧૧૪, ૪૬૫, ૪૭૧ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ-૧પ તથા પાણી પ્રદૂષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી બંને ટેન્કરમાંથી સેમ્પલો મેળવી એફએસએલને મોકલવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે મહંમદ અસરફ અહેમદશાહ તથા ધર્મેન્દ્ર દયારામ યાદવને ઝડપી પાડયા છે. ચંદ્રેશ વર્મા, રાજુભાઈ, ભાવેશ રબારી સહિત ટેન્કરોના માલિક, કેમીકલ કંપનીના માલિકોને ફરાર જાહેર કર્યા છે.

માથાભારે ભાવેશ રબારીની સંડોવણી ઃ ફરાર જાહેર કરાયો

વડોદરા. ઈંટોલાનો માથાભારે ભાવેશ રબારી અગાઉ માટીચોરી સાથે સંકળાયેલો હતો અને સરકારને મોટી રકમનની રોયલ્ટીનું નુકસાન પહોંચાડયું હતું. જ્યારે હવે કેમિકલ ચોરીમાં સંડોવાઈ ઈંટોલાથી માંડી છેક કરજણ, જંબુસર તાલુકાના અનેક ગામો જ્યાંથી વિશ્વામિત્રી નદી વહે છે એવા સેંકડો ગામોના પાણી અને જમીનને ઝેરમાં ફેરવી દેવાનું અધમકૃત્ય કર્યું છે. જાે કે, એક ટેન્કર ખાલી કરવાના રૂા.૩ લાખ મળતા હોવાથી જિલ્લા પોલીસની મિલીભગતથી આ કૌભાંડ ચલાવી મુફલીસમાંથી ભાવેશ માલેતુજાર બની ગયો હોવાનું કહેવાય છે. પરંતુ ગામવાસીઓને ભરપાઈ ન થાય એવું નુકસાન રૂપિયાની લાલચમાં કરી રહ્યા છે.