વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનો કાળો કહેર પોતાનો પંજાે જેમ જેમ પ્રસરી રહ્યો છે. એમ એમ તંત્ર જાણે કે એની પાછળ પાછળ દોડી રહ્યું હોય એમ જણાઈ રહ્યું છે. કોરોના સામે લાચાર બનેલું તંત્ર એને નાથવાને માટે રોજે રોજ નવા નવા આયોજનો કરી રહ્યું છે.તેમ છતાં તંત્રના તમામ આગોતરા આયોજનો ભોંયભેગા થઇ ગયા છે.કોરોના જાણે કે તંત્ર કરતા બે ડગલાં આગળ હોય એમ લાગી રહ્યું છે. કોરોનાના કેસોની સંખ્યાની બાબતમાં તંત્રનું ગણિત ખોટું પડતા રાતોરાત વ્યવસ્થાઓ વધારવાને માટે દોડધામ કરી મૂકી છે.તેમજ છેક ગાધીનગરથી વિવિધ વિભાગોની ટીમોને દોડાવીને વધારાની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.તેમ છતાં જાણે કે કોરોના તંત્રની મહેનત પર પાણી ફેરવવાનો માટે પાછળ પડી ગયું હોય એમ એના સંક્રમિત અને મૃતંકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.જાે કે તંત્ર એક તરફ સાચા આંકડા પર ઢાક પીછોડો કરી રહ્યું છે.તેમજ બીજી તરફ સ્થિતિ કાબુ બહાર જતી હોઈ વ્યવસ્થાઓ વધારવાની પાછળ પડ્યું છે.એજ એની સાબિતી પુરી પાડે છે.કે તંત્ર નક્કર જુઠ્ઠાણું ચલાવે છે.કોરોના પહેલા રાત્રે બંધ રહેતા સ્મશાનો હવે સૌથી વધુ રાત્રે અને આમ તો રાઉન્ડ ધ ક્લોક ધમધમી રહ્યા છે. કોરોણાની આજની તારીખે જે સ્થિતિ છે.એ અત્યંત બિહામણી છે.સંક્રમિતઓના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૧૪ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૬૩ છે.જે આંક મોદી સાંજે ૭૫ને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર બેના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૧૯૦૨ દર્દીઓમાં આજના ૪૧૪ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૨૩૧૬ સુધી પહોંચ્યો છે. આજે વડોદરા શહેરના ૩૫ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૫૯૨૬ સેમ્પલોમાંથી ૫૫૧૨ નેગેટિવ અને ૪૧૪ પોઝિટિવ આવ્યા છે. જયારે ૨૬૨ મૃતંકમાં વધુ બેનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૬૪ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૩૫૬૨ દર્દીઓ છે.જેમાં ૩૨૫૯ સ્ટેબલ,૧૮૪ ઓક્સિજન ઉપર અને ૧૧૯ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૧૯ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૨૫ અને હોમ આઇસોલેશનમાંથી ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૨૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૨૮૨૭૦ દર્દીઓમાં વધુ ૨૨૦ નો ઉમેરો થતા સંખ્યા ૨૮૪૯૦ થતા ૨૮ હજારને આંબી ગઈ છે. કોવિદઃ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે.તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉર્ટનટાઇન કરવામાં આવે છે. આવી ૭૨૭૬ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે દિવસે અત્યંત વિકટ બની રહી છે.જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઉંધી પડતા માથું ખંજવાળી રહ્યા છે.

પાલિકા દ્વારા કરાતા હાઉસ ટુ હાઉસ કામગીરીમાં

“જંગલમેં મોર નાચા,કિસને દેખા” જેવું નર્યું ધુપ્પલ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરતા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં જંગલમેં મોર નાચ કિસને દેખા જેવું નર્યું ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં મુકાયેલી ૮૨૪ ટીમો દ્વારા એક જ દિવસમાં ૭૭,૦૮૬ એટલેકે શહેરના ૧૬.૭૭ % ઘરોનો એકજ દિવસમાં હેલ્થ સર્વે પૂર્ણ કરાયો છે. આ સાથે માત્ર ત્રણથી ચાર દિવસમાં આ ટીમો દ્વારા શહેરના ૩,૯૫,૪૩૪ ઘરોનો એટલેકે ૮૬.૦૪% ઘરોનો હેલ્થ સર્વે પૂર્ણ કરાયાનો દાવો કરાયો છે. આજ પ્રમાણે આ ૮૨૪ ટીમોએ એક જ દિવસમાં ૭૭૦૮૬ ઘરોની ૩,૧૪,૪૫૭ ની વસ્તીને આવરી લેવામાં આવી છે. આટલા માનવોને એટલેકે એક ટીમે એક જ દિવસમાં સરેરાશ ૪૦૦ જેટલા માનવોનો હેલ્થ સર્વે પૂર્ણ કર્યાનો દાવો કરાયો છે.

આટલા ઓછા સમયમાં આટલા મોટા પ્રમાણમાં વસ્તીનો કેવો હેલ્થ સર્વે થયો હશે એતો રામ રાજ્યવાળા આંકડાની રમત રમનારા રામો જ જાણે.આ ટીમે છેલ્લા ચાર દિવસમાં શહેરની ૧૫,૬૫,૪૨૬ની વસ્તીનો એટલેકે ૮૫.૦૬% વસ્તીનો હેલ્થ સર્વે પૂર્ણ કર્યાનો દાવો કરાયો છે.જે હાસ્યાસપદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ આ હેલ્થ સર્વેના નામે મોટા મોટા ખર્ચાઓ પાડીને પ્રજાને મૂર્ખ બનાવવામાં આવતી હોવાની લાગણી જન્મી છે. આટલું ઓછું હોય એમ આ કામગીરીમાં જે દર્દીઓના નજીવા આંકડા બતાવવામાં આવે છે એ જાેટાતો ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

સરકારે ઓક્સિજનનો હોસ્પિટલોને રાઉન્ડ ધ ક્લોક સપ્લાય આપવા આદેશ કર્યો

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હસ્તકના પેટ્રોલિયમ તથા વિસ્ફોટક સૌરક્ષા સંગઠનના વડા જાેઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્ષ્પ્લોસિવ એમ.કે.ઝાલાએ એક આદેશ બહાર પાડીને કોવીડ-૧૯ની કટોકટીભરી પરિસ્થિતિમાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને રાઉન્ડ ધ ક્લોક ઓક્સિજનનો પુરવઠો મળી રહે એને માટે અગ્રીમતા આપવાનો આદેશ બહાર પાડ્યો છે. જેનો તાકીદની અસરથી અમલ કરવા જણાવ્યું છે.

વડોદરા સહિતની તમામ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ

વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આર.પટેલે એક આદેશ બહાર પાડીને કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને વડોદરાની તમામ સરકારી કચેરીઓ જેવી કે કલેકટર કચેરી,વડોદરા મહાનગર પાલિકાની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ કમિશનર કચેરી, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં અગત્યના અને તાકીદના કામ સિવાયના મુલાકાતીઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજીનું કોરોનાથી મોત ઃ આઈપીએસના મોતની પ્રથમ ઘટના

વડોદરા ઃ કોરોનાએ વડોદરામાં ફરજ બજાવતા એક આઈપીએસ અધિકારીનો ભોગ લીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે આર્મ્સ યુનિટમાં ડીઆઈજી તરીકે એમ.કે.નાયકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે આઈપીએસનું મોત થવાની આ સૌ પ્રથમ ઘટના છે. કોરોનાકાળમાં ડોકટર અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ વિભાગ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યો છે અને કોરોનાને કારણે અનેક પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.ઓગસ્ટ ૨૦૨૦માં સરકાર દ્વારા ૫૮ આઈ૫ીએસ અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ.કે.નાયક (આઈપીએસ)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગતરોજ તેમનું મોત નીપજ્યું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમ.કે.નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત ૩૧ માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન ૧૨મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે આઈપીએસ અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.

શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૮૫ અને ગ્રામ્યમાં ૧૧૮ કેસ નોંધાયા

કોરોનાના બીજા તબક્કામાં વડોદરા શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૧૪ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૮૫ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૧૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૬૫, પશ્ચિમમાં ૭૫ અને ઉત્તરમાં ૭૧ કેસ નોંધાયા છે. અલબત્ત અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સૌથી વધુ કેસો ઉત્તર ઝોનમાં ૬૪૫૭ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૮૯૭૧ કેસ નોંધાયા છે. સૌથી વધુ મોત ગ્રામ્યમાં ૬૨ અને શહેરના ઉત્તર ઝોનમાં ૫૮ નોંધાયા છે.

સિટી પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ કોરોના સંક્રમિત

વડોદરા. સિટી પોલીસ મથકના પીઆઈ અને એક પીએસઆઈ એકસાથે કોરોના પોઝિટિવ થતાં પોલીસબેડામાં ગભરાટ ફેલાયો છે. શહેરના મંગળબજાર, એમ.જી.રોડ, માંડવી જેવા ભરચક વિસ્તારોમાં જઈ માઈક ઉપર કોરોના અંગે જાગૃતિ ફેલાવવાના કામમાં જાેડાયેલા પીઆઈ વાણિયા અને પીએસઆઈ નીનામાનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં સિટી પોલીસ મથકના અન્ય કર્મચારીઓએ પણ કોરોનાના ટેસ્ટ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના ૩૫ અને ગ્રામ્યના ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો

વડોદરા શહેરના અંદાજે ૩૫ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોણાનું સંક્રમણ પ્રસર્યું છે. શહેરના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જાેવા મળ્યા છે.એમાં બાપોદ,આજવા રોડ, કિશનવાડી,આજવા રોડ,

રામદેવનગર, સ્વાદ, પાણીગેટ, સુદામાપુરી, વારસિયા, ફતેપુરા, હરણી રોડ, કારેલીબાગ, નવાયાર્ડ, એકતાનગર, નવીધરતી,છાણી, ગાજરાવાડી, માંજલપુર, યમુના મીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, મુજમહુડા, ગોકુલનગર,દિવાળીપુરા, સુભાનપુરા, જેતલપુર, વાસણા રોડ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે ગ્રામ્યના વિસ્તારોમાં ચૌરંડા, સાંકરદા, ફાજલપુર, વરણામા, પોર, ઈટોલા, ડભોઇ, કંભોડા, રણોલી, કરાચીયા, શેરખી, ભાયલી, કોયલી વગેરેનો સમાવેશ થાય છે.

પાલિકાની ટીમો દ્વારા તમામ વિસ્તારોમાં પ્રજાને જાગૃત કરવાનું કામ કરાયું

પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧માં આવેલ ભાયલી ખાતે જેટ દ્વારા ગામના મુખ્યબજાર પાસે એનાઉસમેન્ટ કરી અને પ્લેકાર્ડ સાથે રાખીને જાગૃતતા ફેલાવવામાં આવી હતી આજ પ્રમાણે ફતેગંજ સદર બજારમાં પણ આમ કરાયું હતું. તેમજ શાકભાજીના વેપારીઓને સોશિયલ ડિસ્ટનસ જાળવવા અને માસ્ક અવશ્ય પહેરવાની સૂચના આપવામાં આવી હતી. હરણી હનુમાનજીના મંદિર બહાર જાગૃતતા ફેલાવવા માં આવી હતી તેમજ ફૂલહારના વેપારીઓ તેમજ દર્શનાર્થીઓને પણ સોશીયલ ડિસ્ટનસ રાખવા માસ્ક પહેરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે પ્લે કાર્ડ સાથે રાખીને જાગૃતતા ફેલાવવામાં આવેલ હતી. છાણી ગામ ચાર રસ્તા પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે એનઉસમેન્ટ કરવામાં આવ્યું હતું. વોર્ડ ૪માં અલકાપુરીમાં આવેલ ખાણીપીણીની લારીઓ ઉપર આવતા લોકો તથા ફેરિયાઓને સામાજિક અંતર અને માસ્ક પહેરવા તથા કોવીડની માર્ગદર્શિકાનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી

કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપવા માસ્ક વગર ફરનારાઓેનું ફૂલહાર પહેરાવી ‘બહુમાન’ કરાયું

વડોદરા. કોરોના બેકાબૂ બની રહ્યો છે. રોજે રોજ કોરોનાના દર્દીઓ માટે નવા બેડ તૈયાર કરવાની સુવિધા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. એક તરફ જાેઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં પણ લોકો માસ્ક નહિ પહેરવાનું બેવકુફી ભર્યુ વલણ દાખવી રહ્યા છે. અને બિંદાસ્ત બહાર ફરી રહ્યા છે.

શહેરમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે. તેવા સમયે સમજદાર બનવાની જગ્યાએ લોકો બેજવાબદાર બની બહાર નીકળી રહ્યા છે. ત્યારે આજે કોવિડ ગાઇડલાઇનનું અમલ કરાવતી જાેઇન્ટ એન્ફોર્સમેનટની ટીમ દ્વારા માસ્ક નહિ પહેરી કોરોનાને આમંત્રણ આપતા યુવાકોને ફૂલોના હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. દંડ કરવાની જગ્યાએ વોર્ડ નંબર ૧૨માં ફૂલોના હાર પહેરાવી બહુમાન કરાતા સન્માન સ્વિકારનારાએ શરમની લાગણી અનુભવી હતી.

ફિલિંગ સ્ટેશન ૨૪ કલાક ચાલુ રાખવાના આદેશ

વડોદરા. વડોદરામાં દસ ગણો વપરાશ વધતાં રેમડેસિવીર ઈન્જેક્શન બાદ હવે ઓકિસજનની અછત ઊભી થઈ છે. શહેરમાં રોજ વપરાતા ૧૦ ટન ઓકિસજનને બદલે હવે ૧૦૦ ટનનો વપરાશ થઈ રહ્યો છે. ભાવનગર અને હાલોલથી આવતો ઓકિસજનનો જથ્થો સમયસર ન આવ્યો હોવાથી કોવિડ હોસ્પિટલના સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. ઓક્સિજનની અછત સર્જાતાં ઓએસડી ડો. વિનોદ રાવે ફિલિંગ સ્ટેશન ૨૪ કલાક ચાલુ રાખવાના આદેશ કર્યો આપ્યા છે.