લોકસત્તા વિશેષ : છેલ્લા ૮ વર્ષથી વડોદરા શહેરની રાજનિતિમાંથી સાઈડલાઈન કરાતા પુરી થઈ ગયેલી નેતાગીરીની ઈનીંગમાં સંગઠનની સુબેદારી પુનઃ મળતાં બેફામ બનેલા નેતાના તેવર ઢીલા પડ્યા કે પાડવામાં આવ્યા તેને લઈને અનેક તર્કો વહેતા થયા છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહએ અગાઉ કોરોના સંક્રમિત લોકો માટે જાહેર કરવામાં આવેલી સેવામાં સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય નેતાઓના ફોટા વગર માત્ર પોતાના ફોટા સાથેની પોસ્ટ વહેતી કરી હતી. આ મામલે વિવાદ થતાં લગભગ ૧૫ દિવસ બાદ નાકલીટી તાણી ડો. વિજય શાહે આ સેવાની પોસ્ટમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓના ફોટાને સ્થાન આપવાની ફરજ પડી હોવાનું ભાજપના સુત્રોએ જણાવ્યું હતું. અગાઉ ફરતી કરેલી જુની પોસ્ટમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓને ફોટા મુકી તેને નવેસરથી સેર કરવામાં આવતા અનેક તર્કો વહેતા થયા છે. જાેકે આ પોસ્ટમાં હજી સ્થાનિક નેતાઓ પ્રત્યે અણગમો હોય તેમ કોઈના ફોટા મુકવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છેકે ૮-૮ વર્ષ સાઈડલાઈન રહ્યા બાદ ડો. વિજય શાહને રાતોરાત શહેર પ્રમુખ પદ મળતાં ગુમનામીમાં ખોવાઈ ગયેલું એક આખું જુથ દોડતું થઈ ગયું હતું. શહેર ભાજપના સંગઠનમાં બે-ચાર હોદ્દાને બાદ કરતાં કદી નહીં સાંભળેલી કે નહીં જાેયેલી ટીમ તૈયાર કરવામાં આવી હતી. એટલું જ નહીં આ નિંમણૂકોથી શહેરની અન્ય નેતાગીરી સામે બાંયો ચઢાવવાનો સિગ્નલ આપી ડો. વિજય શાહે વિવાદની શરૃઆત કરી દીધી હતી. જે બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીકીટ વહેંચણી હોય કે ત્યાર બાદ કોર્પોરેશનમાં નવા હોદ્દેદારોની નિંમણૂક હોય ડો વિજય શાહ અને અન્ય નેતાઓ વચ્ચેનો ઝગડો પ્રદેશ નેતાગીરીએ પણ સ્પષ્ટ જાેયો હતો.

દરમ્યાન છેલ્લા એક મહિનાથી બેફામ બનેલા કોરોના વાઈરસના સંક્રમણમાં કોર્પોરેશન દ્વારા કરવાની કામગીરી શહેર સંગઠન કરશે તેવી જાહેરાત કરી પોતાના જ પક્ષના શાસન સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમાં પણ મંત્રી, સાંસદ, મેયર અને પાલિકાના અન્ય હોદ્દેદારોને પક્ષના કાર્યાલય પર બોલાવી ત્યાંથી નિત નવી જાહેરાતો કરાતી હતી. આ જાહેરાતોના પ્રચાર પ્રસાર માટેના પોસ્ટરમાં માત્ર શહેર પ્રમુખનો જ ફોટો મુકી અન્ય તમામ નેતાઓ તેમની આગળ વામણા હોય તેવી સ્થિતિ ઉભી કરાઈ હતી. આ મુસદ્દી ગીરીમાં શહેર પ્રમુખે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી એટલેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા હોય કે પછી પ્રાદેશિક નેતાગીરીમાં મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ અવગણના કરી હતી.

જાેકે આ મામલે ભાજપમાં જ વિવાદ ઉઠતાં તેના પડધા પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી સુધી પહોંચ્યા હતા. દરમ્યાન છેલ્લા ૪૮ કલાકમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે અગાઉ પ્રસિધ્ધ કરેલી તમામ પોસ્ટ નવેસરથી સેર કરી છે. પરંતું જ્યાં અગાઉની પોસ્ટમાં એક પણ પ્રદેશિક કે રાષ્ટ્રીય નેતાના ફોટા નહતા ત્યાં અચાનક તમામ જુની પોસ્ટમાં પ્રદેશિક અને રાષ્ટ્રીય નેતાઓના ફોટા આવી ગયા હતા. ત્યારે આ બદલાવ ડો. વિજય શાહને પાછળથી થયેલું જ્ઞાનનું પરિણામ છેકે પછી મોવડી મંડળે કાન પકડતાં નાકલીટી તાણવાની પડેલી ફરજ, તેને લઈને અનેક તર્કો વહેતા થયા છે.