વડોદરા, તા. ૧૮

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સામે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરશે તેવી ખાત્રી હોઈ શહેર પોલીસે ગઈ કાલ રાતથી શહેરના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને ભાજપાની કામગીરીનો વિરોધ કરતા બિનરાજકિય કાર્યકરોને નજર કેદ કર્યા હતા. જાેકે આ પૈકી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષી ગત રાતથી જ ગુમ થઈ જતા સમગ્ર શહેર પોલીસ તંત્રએ તેમની ઘનિષ્ટ શોધખોળ હાથ ધરી તેમના નિવાસસ્થાને પણ પોલીસ જવાનો તૈનાત કર્યા હતા. જાેકે દિવસભર પોલીસને થાપ આપ્યા બાદ ઋત્વિજ જાેષી તેમજ કોંગી કાર્યકરો આજે બપોરે વડાપ્રધાન મોદીનું સભાસ્થળે આગમન થયા બાદ સભાસ્થળે વિરોધ કરવા માટે ભાજપા અને વડાપ્રધાનના વિરોધમાં નારા લગાવી આજવારોડ પર મહાવીરહોલ ચારરસ્તા સુધી પહોંચી ગયા હતા. જાેકે તેઓ સભા મંડપમાં પહોંચે તે અગાઉ જ બેરીકેટ પાસેથી પોલીસ જવાનોએ તેમને અટકાવીને બળપુર્વક ડિટેઈન કરી તુરંત રાવપુરા પોલીસ મથકમાં લઈ ગઈ હતી જયાં વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થયા બાદ સાંજે સાડા પાંચ વાગે તમામને મુક્ત કરાયા હતા. આ અંગે ઋત્વિજ જાેષીએ જણાવ્યું હતું કે ભાજપાએ પોલીસ તંત્રને હાથો બનાવતા તેમની બિનલોકશાહી ઢબે અટકાયત કરાઈ છે. ‘તેવી જ રીતે શહેરમાં વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત પણ વડાપ્રધાનને આવેદનપત્ર આપવા માટે ઘરેથી નીકળતા પોલીસે તેમને પણ ડિટેઈન કર્યા હતા. અમીબેને જણાવ્યું હતું કે તેમની પાસે કાર્યક્રમનું સત્તાવાર આમંત્રણ છે અને તે સ્માર્ટ સિટી સહિતના પ્રોજેક્ટમાં ભાજપાને મળેલી નિષ્ફળતા બદલ વડાપ્રધાનને આવેદનપત્ર આપવા નીકળતા તેમની અટકાયત કરાઈ છે. અમીબેનને ફતેગંજ પોલીસ મથખમાં ડીટેઈન કરાયા હતા.

જયારે રાવપુરા પોલીસે દાંડિયાબજાર લકડીપુલ ખાતે કોંગ્રેસ કાર્યલય પરથી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ અને ૨૦ કોંગી કાર્યકરોની પણ વડાપ્રધાનના સભાસ્થળે જતી વખતે અટકાયત કરી હતી. આ ઉપરાંત શહેર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્વેજલ વ્યાસ જેવા બિનરાજકિય કાર્યકરોને પણ ગત રાતથી નજરકેદ રાખી તેઓને વિરોધ પ્રદર્શન કરવાની કોઈ તક આપી નહોંતી.