વડોદરા : અત્યંત સંવેદનશીલ ગણાતા પાણીગેટ નજીકના બાવામાનપુરામાં નજીવી બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલી અથડામણના પગલે અફવાનું બજાર ગરમ થયું હતું. એક તબક્કે કોમી તોફાનોની વાત વહેતી થતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. બાદમાં દોડી આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મામલો શાંત પાડી એક જ કોમના બે જૂથો હોવાનું જણાવ્યું હતું.

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં મકાનની ડિપોઝિટ બાબતે બે શખ્સો વચ્ચે તલવારો ઉછળી હતી. જેમાં બંને શખ્સ ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં મકાન માલિક શબ્બીર ભંગારિયાને મકાનની ડિપોઝિટ ન મળતાં બંગડીવાળા નામની વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી અને જાેતજાેતામાં બંને તલવારો લઈને આમને-સામને આવી ગયા હતા. જેમાં બંને શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે, એક શખ્સની હાલત ગંભીર છે.

ઘટનાની ગંભીરતા જાેતાં બાવામાનપુરા વિસ્તારના ઘટનાસ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના તપાસ કરી રહેલા પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, બાવામાનપુરામાં શબ્બીર ભંગારિયા અને બંગડીવાળા વચ્ચે મકાનની ડિપોઝિટ બાબતે માથાકૂટ થઈ હતી અને તપાસ કરતાં ખબર પડી કે તલવારથી હુમલો થતાં બંને ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે જેથી આ મામે તપાસ શરૂ કરાઈ છે.

આ ઘટનાની ગંભીરતા જાેતાં દોડી આવેલા સંયુક્ત પોલીસ કમિશનરે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની સૂચના આપી હતી અને આગામી તહેવારોના દિવસોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે એવું આયોજન ગોઠવવા માટે પણ તાકીદ કરી હતી.