વડોદરા : વડોદરાના શહેરના વેપાર ઉદ્યોગ જગતમાં કોરોનાના ભયને લઈને અઘોષિત નાણાકીય કટોકટી ઉભી થવાના સંકેત જણાઈ રહયા છે. જેમાં શહેરના ક્લિયરિંગ હાઉસના કર્મચારીને કોરોના થતા બે દિવસથી એને બંધ કરવામાં આવ્યું છે.આને કારણે નાના મોટા ઉદ્યોગો અને વેપારીઓના કરોડો રૂપિયાના ચેકો એકાએક અટવાયા છે.આ ચેકોનો બેન્કોએ ક્લિયરિંગમાં મોકલવાને માટે સ્વીકાર તો કર્યો છે.પરંતુ એને ક્લિયરિંગ હાઉસમાં ક્યારે મોકલવામાં આવશે એ બાબતને લઈને ભારે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે. સોમવારે પણ ક્લિયરિંગ હાઉસમાં સંક્રમણના ભયને લઈને એને ચાલુ કરવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.આને કારણે હજારો નાના મોટા નાગરિકો અને વેપારીઓના મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અટકી જવા પામ્યા છે.હાલમાં નવા માસના પ્રારંભે પગારની તારીખો અને અન્ય ચૂકવણીઓ ઉપરાંત રોજબરોજના વ્યવહાર માટે પણ ઉદ્યોગોને નાણાકીય ખેંચનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલાક ઉદ્યોગકારોએ તો બેંકો સમક્ષ એમના ક્લિયરિંગના ચેકોની સામે એટલી રકમની હંગામી ક્રેડિટની સવલત ઉપલબ્ધ બનાવવાની માગ કરી છે.આને કારણે કેટલીક બેંકોના અધિકારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરારના કેસો વધી ગયા છે.આ ઉપરાંત જેઓ કોઈપણ પ્રકારની લોનો લઈને જે તે બેન્ક કે કોઈપણ નાણાકીય સંસ્થાને ખાતામાંથી આગોતરી નાણાકીય કપાતની એસીએસની સવલત આપીને બેઠા છે. તેઓના ચેકો ક્લિયર ન થતા વિલંબને લઈને દંડકીય કાર્યવાહીનો ભય સતાવી રહ્યો છે. તેમજ આ નાણાકીય વ્યવહાર અપૂરતા ફંડને લઈને રિટર્ન થતા ભવિષ્યમાં અન્ય લોન લેવામાં પણ એ નોંધ બાધારૂપ બની રહેવાની ચિંતા સતાવી રહી છે. આ કટોકટીનો તત્કાળ બેંકો દ્વારા ઉકેલ લાવવામાં આવે એવી માગ ઉભી થવા પામી છે. 

આઇએફએસસી કોડને આધારે અન્યત્રથી ક્લિયરિંગ કરવા સૂચન

સમગ્ર વિશ્વ અને ભારતમાં જ્યારે ડિજિટલ બેન્કિંગ વ્યવહારોની વાત થાય છે.એ દિશામાં ધડ્‌મુળથી આમૂલ પરિવર્તનો કરવામાં આવ્યા છે.ત્યારે વડોદરામાં જ્યારે ક્લિયરિંગ હાઉસ બંધ છે.ત્યારે અહીંના ચેકોનું નજીકના કોઈપણ શહેરના ક્લિયરિંગ હાઉસમાંથી ક્લિયરિંગ કરવામાં આવે એવા પ્રકારની માગ વેપાર ઉદ્યોગ જગતમાં ઉઠી છે.જ્યારે નાની,મોટી,સરકારી કે ખાનગી બેંકો અને સહકારી બેંકોનું પણ કોમ્પ્યુટરાઇઝેશન થઇ ચૂક્યું છે.ત્યારે જે તે બેન્કના આઇએફએસસી કોડના આધારે અન્યત્રથી તમામ પેન્ડિંગ ચેકોનું ક્લિયરિંગ કરીને ગ્રાહકોના ખાતામાં વહેલામાં વહેલી રકમ જમા આપવામાં આવે.એવી રજૂઆત પણ કરાઈ ચુકી છે.