ગુજરાતના વાતાવરણમાં પલટો: મધ્યમ વરસાદની આગાહી, રાજયભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ
17, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર-

વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી છે. કર્ણાટકથી વિદર્ભ સુધી સર્જાયેલ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.

ગુજરાતમાં ધીમે-ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લેવાની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્કયુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. વરસાદની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ત્યાં સૌરાષ્ટ્રમાં અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું હતું જેમાં વિઝીબીલીટી 100 મીટરથી પણ ઓછી જોવા મળી. આ કારણથી વાહનચાલકો પરેશાન થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution