દાહોદ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરી છે. દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ.૧૫૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે, ભૂતકાળની સરકારોને રાજકીય ઇચ્છાશક્તિ નહોતી. આદિવાસીઓના વિકાસના નામે માત્ર મતો જ મેળવવામાં આવતા હતા. મતો મળી ગયા પછી લોકોને ભૂલી જવામાં આવતા હતા. રાજ્ય સરકારે વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.

ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૪૨ વર્ષ સુધી સત્તા સંભાળી છતાં પણ લોકોની પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવ્યા નહોતા. પણ, અમે ભાગ્યશાળી છીએ કે લોકસુવિધાના કામો કરવાની તક અમને મળી છે. પહેલા રાજ્ય સરકારનું બજેટ માત્ર સાત-આઠ હજાર જેટલું હતું. તેમાં કોઇ એક વિભાગને કામો કરવા માટે ૭૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવતી હતી. પણ, હવે એક માત્ર દાહોદમાં જ અને એક જ દિવસમાં રૂ. ૧૫૦૦ કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.

શ્રી રૂપાણીએ ઉમેર્યું કે, અમારી સરકારે લોકોની પ્રાથમિક સુવિધાને ધ્યાને રાખી છે. તેના આધારે પીવાના પાણી, સિંચાઇના પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, ભૂતકાળમાં આપણે પાણીની સમસ્યા જાેઇ છે. નાગરિકોને ક્ષારયુક્ત, ક્લોરાઇડવાળું પાણી પીવું પડતું હતું. તેના કારણે લોકો રોગોનો ભોગ બનતા હતા. ગૃહિણીઓ હેન્ડ પમ્પ ખેંચીને તૂટી જતી હતી. વળી, દૂરદરાજના ગામોમાં તો પાણીના બે બેડા ભરવા માટે સીમમાં ભટકવું પડતું હતું. હવે, અમારી સરકારે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે આગળ વધી રહી છે.