દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, દિલ્હીમાં ધીમે-ધીમે કોરોના ઓછો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ઘટીને ૬૫૦૦ સુધી આવ્યા છે. સંક્રમણનો દર પણ ઘટીને ૧૧ ટકા થઇ ગયો છે. કેજરીવાલે કહ્યું કે, આપણા ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને કામદારોએ માત્ર ૧૫ દિવસમાં ૧૦૦૦ આઇસીયુ બેડ તૈયાર કર્યા. દુનિયા માટે આ એક ઉદાહરણ છે. હું તે તમામનો આભાર વ્યક્ત કરું છું.

સાથે જ કેજરીવાલે જાહેરાત કરી કે, અમે આજથી ઓક્સિજન કન્સન્ટ્રેટર બેંક શરૂ કરી રહ્યાં છે. અમે દિલ્હીના દરેક જિલ્લામાં ૨૦૦-૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટરની બેંક બનાવી છે. એવા દર્દી જે હોમ આઇસોલેશનમાં છે. જો તેમને ઓક્સિજનની જરૂર પડશે તો અમારી ટીમ બે કલાકમાં તેમના ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડશે. કેજરીવાલે કહ્યું કે, જો કોઇ વ્યક્તિને કોરોના છે પરંતુ તે કોઇ કારણસર અમારા હોમ આઇસોલેશનનો ભાગ નથી તો તે ૧૦૩૧ પર ફોન કરી હોમ આઇસોલેશનનો ભાગ બની શકે છે અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની માંગ કરી શકે છે. અમારા ડોક્ટર્સની ટીમ તે નક્કી કરશે કે ઓક્સિજન કન્સન્ટ્રેટરની જરૂર છે કે નહીં.