ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત છેલ્લા ત્રણ પગલાંનો રાજ્ય કક્ષાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં ૩૩ જિલ્લામાં ૭૦ સ્થાનો પર યોજાનાર કાર્યક્રમમાં મંત્રીશઓ, ધારાસભ્ય સહિત સ્થાનિક અગ્રણીઓ-મહાનુભાવો જોડાશે.

સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ તેમજ જંગલી પશુઓથી પાકનું રક્ષણ મેળવવા ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા સહાય એમ ત્રણ પગલાંનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્ય કક્ષાએ તેમજ વિવિધ તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં લાભાર્થી ખેડૂતોને મંજૂરીપત્રો અને હુકમોનું વિતરણ કરવામાં આવશે. 

ગાંધીનગરથી યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્ય કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ કૃષિ વિભાગના સચિવસહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રીના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ચાર પગલાંનું ઇ-લોકાર્પણ પૂર્ણ કરીને લાભાર્થીઓને લાભ અપાયા છે. જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા ખેડૂતોને રૂ. ૩૦,૦૦૦ સુધીની સબસિડી, કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના વાહનો ખરીદવા રૂ. ૫૦,૦૦૦ થી ૭૫,૦૦૦ની સહાય, દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. ૯૦૦ એમ કુલ રૂ. ૧૦,૮૦૦ની સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે કીટ સહાયનો સમાવેશ થાય છે.