ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળાની સ્થિતિને જોતા સરકાર ચિંતિત છે. જેને પગલે રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી છે. જયારે બીજી તરફ આવતીકાલથી વેક્સિનેશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું.

સંબોધનની શરૂઆતમાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના કેસમાં થતાં વધારાએ ચિંતામાં વધારો કર્યો છે, મહામારીના કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધુ ગુમાવ્યું છે. લોકોને પોતાના સ્વજન ગુમાવ્યા છે તથા મેડિકલ સ્ટાફના લોકોએ પણ સેવા કરતાં કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે. થોડા દિવસ સ્થિતિ એકદમ અલગ હતી, લગભગ આપણે કોરોના સામે જીતી ગયા હોય તેવી પરિસ્થિતિ હતી પરંતુ અચાનક કેસ વધી ગયા અને સંક્રમણ ઝડપથી ફેલાયું.

સીએમ રૂપાણીએ દાવો કર્યો કે એક જ મહિનામાં આજે 94 હજાર બેડ ઊભા કર્યા છે, ઑક્સીજનનો સપ્લાય પણ વધ્યો છે. એક જ મહિનામાં પાંચ લાખથી વધારે રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઑ પર ક્યાંક બેડ તો ક્યાંક ઑક્સીજન અને દવા માટે તકલીફ દેખાઈ રહી છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી, આપણે પરિશ્રમની પરાકાષ્ઠા પર જઈને કોરોના સામે લડીશું. સીએમ રૂપાણીએ આ 29 શહેરોના લોકોને હાથ જોડીને કહ્યું કે શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળે. આપણે સ્વયંશિસ્ત રાખીને કોરોના સામે લડીએ.