ગાંધીનગર-

ગુજરાતમાં રસીકરણના ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે અને આ અંગેની ઓનલાઇન નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ ગઈ હોવાની માહિતી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી છે.

18 વર્ષની વધુ વયના યુવાનો રસી મુકાવે એવી ભલામણ રૂપાણીએ પોતાના રાજ્યજોગ સંદેશમાં આપી છે.તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે કોરોનાની રસીના અઢી કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો છે, જેમાંથી સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના બે કરોડ જ્યારે ભારત બાયૉટેકની કોવેક્સિન રસીના 50 લાખ ડોઝનો સમાવેશ થાય છે.હાલમાં બે રસી ઉપબલ્ધ છે અને ત્રીજી રસી ટૂંક સમયમાં આવી જશે એવી જાણકારી આપતાં તેમણે 18 વર્ષથી વધુ ઉંમરની સૌ વ્યક્તિઓને કોરોનાની રસી લેવા ભલામણ કરી છે.રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારી રસીકરણ કેન્દ્ર પર જઇને જે લોકો રસી અપાવશે તેમને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ યુવાનોને મોટી સંખ્યામાં રસીકરણનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વેક્સિનનો તમામ જથ્થો સરળતાથી મળી રહે તે માટેના અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.