ઝાલોદ

દાહોદના ઝાલોદ ખાતે રૂ. ૧૫૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની કેટલીક યોજના લાભાર્થીઓ સાથે પ્રયત્યક્ષ મુલાકાત કરી હતી અને તેમની પાસેથી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ સર્વ પ્રથમ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કાળુભાઇ સવજીભાઇ ડામોર સાથે મુલાકાત કરી તો કાળુભાઇએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, સાહેબ, અમને દિવસે વીજળી મળતા ખૂબ જ રાહત થઇ છે. રાતના ઉજાગરા મટ્યા છે. હવે કોઇ પ્રાણીઓનો પણ ડર નથી. મુખ્યમંત્રી રૂપાણીએ તેમના પ્રત્યે આભાર માની ક્ષેમ કુશળ પૂછ્યા હતા.

દાહોદમાં ગઢી કિલ્લામાં ચાની કિટલી ધરાવતા છગનભાઇની સાથે મુલાકાત કરી પૂછ્યું કે, હદય રોગની સારવાર બાદ હવે કેમ છે ? તો છગનભાઇએ કહ્યું કે, એકદમ સારૂ છે. રૂપાણીએ વળતો પ્રશ્ન કર્યો કે સારવારમાં કેટલા રૂપિયા ખર્ચવા પડ્યા ? તો જવાબ મળ્યો કે એક પણ રૂપિયાનો નહીં. છગનભાઇ દાહોદ શહેરના ગડી ફોર્ટ ખાતે ચાની કીટલી ચલાવે છે. આસપાસ સરકારી કચેરીઓ અને લોકોની અવરજવર હોય ગુજરાન પૂરતું તેઓ કમાઇ લેતા હતા. પંચાવન વર્ષના છગનભાઇને તેમના પત્ની સહિત સાત જણાનો પરિવાર છે. બાળકો મોટા થઇ ગયા હોય તેમના લગ્ન અને ઘરસંસાર વસાવવાની ચિંતા પણ સતાવતી હતી. એક વખત મધ્યરાત્રીએ તેમને છાતીમાં સખત દુખાવો ઉપડયો. તેઓ દાહોદની રીધમ હોસ્પીટલમાં દાખલ થયા. પરંતુ રોગના ચોક્કસ નિદાન માટેના રીપોર્ટો કરાવાનો ખર્ચો જ છગનભાઇના પરિવારજનોને પોષાય તેઓ નહોતો ત્યાં મોઘીં સારવાર કેવી રીતે કરાવીશું તેની ચિંતા સ્વજનોને સતાવવા લાગી. રીધમ હોસ્પીટલ દ્વારા છગનભાઇના પરિવારજનોને મુખ્યમંત્રી અમૃત્તમ યોજના વિશે માહિતગાર કરાયા. યોજના માટેનું કાર્ડ કઢાવ્યું હોય તેમના તમામ રિપોર્ટો, સારવાર-દવા વગેરેનો ખર્ચ રાજય સરકારે ઊઠાવ્યો હતો.