ભરૂચ, એક તરફ કોરોનાની મહામારી ફુલજાેરમાં ચાલી રહી છે, ધંધા રોજગાર પડી ભાગ્યાં છે, પરિજનો, સ્વજનોના ભોગ લેવાયાં હોવાના કિસ્સા હજુ તાજા છે. ત્યારે કુદરતે જાણે લોકોની અગ્નિ પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું હોય તેમ ભારતના કેરળથી લઈ ગુજરાત સુધીના દક્ષિણ પશ્ચિમ દરિયા કાંઠાના લોકો માટે માઠાં સમાચાર આવી રહયા છે. જેમાં ગુજરાતના દરિયા કિનારા ઉપર આગામી ૧૭ તારીખે “તૌકતે” નામનું ભયાનક વાવાઝોડું આવી રહ્યું હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાની સંભાવનાઓને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટના મૉડમાં આવી ગયું છે.

તૌકતે સામે અગમચેતી તૈયારીઓ તંત્રએ શરૂ કરી દીધી છે. ભરૂચના દહેજ બંદરે ભયસૂચક એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને પગલે ભારતીય હવામાન દ્વારા એક નંબરનું સિગ્નલ શુક્રવાર બપોરથી જ લગાવી દેવામાં આવ્યું છે. દહેજ બંદરે આવેલ પાંચ જેટી, દરિયાઈ ખેડૂતો તેમજ દરિયા તેમજ નર્મદા નદીના ભાડભૂત સહિતના કાંઠા વિસ્તારના ૫૦ જેટલા ગામોને દરિયાની નજદીક ન જવા સુચન કરેલ છે. જ્યાં સુધી હવામાન ખાતાં દ્વારા નવી સૂચનાઓ કે માહિતી આપવામાં આવે ત્યાં સુધી ખાસ કરીને માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવા માટે સૂચન કરાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી ૪૮ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી પુરી શક્યતાઓ જણાઈ રહી છે. ક્રમબદ્ધ રીતે દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારતના દરિયા કાંઠા સુધી તૌકતે વાવાઝોડાની રફતાર તેજ થવાની છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા પર આ વાવાઝોડાની રફતાર ૮૦ કે.ટી. એટલે કે લગભગ ૧૫૦ કી.મી.ની રફતારે ત્રાટકશે. મુંબઈ કરતાં ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની વધારે અસર વર્તાવાની શક્યતા પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને વહીવટીતંત્ર સલામતીના કારણે સાબદુ થઇ જવા પામ્યું છે. તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના હાંસોટ, વાગરા અને જંબુસર ત્રણ તાલુકાના ૫૦ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માછીમારોને માછીમારી નહિ કરવા સૂચન કરતા માછીમારોએ પોતાની નાવડીઓને કિનારાઓ ઉપર લંગારી દીધી છે. નર્મદા નદીના ભાડભૂત ખાતે ૫૦ થી વધુ નાવડીઓને અન્ય નાવડીઓ સાથે મજબૂતાઈ રીતે બાંધી દીધી હતી. દહેજ બંદર આવેલ પાંચ જેટીના સંચાલન કરતી કંપનીઓને પણ તાકીદે પૂરતા પગલાં ભરવા સૂચન કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ગામોને એલર્ટ કરાયા છે.

ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. દરિયા કિનારાના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને નજીકમાં આવેલ ગામના પ્રાથમિક શાળાના સેલટર હોમમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૫૦૦ લોકો સુધીના લોકો રહી શકે તેવા હાંસોટમાં એક તેમજ વાગરામાં ત્રણ એમ.પી.પી.સી.એચ. સેન્ટરોમાં લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાની સૂચનાથી ભરૂચમાં ૨૨ જેટલા એન.ડી.આર.એફ.ના જવાનોની ટિમ બચાવ કામગીરીની સામગ્રી લઈ પહોંચી ચુકી છે. દરિયા કિનારે વાવાઝોડાની રફતાર રહેશે અને ખાસ કરીને પશ્ચિમ દક્ષિણ ગુજરાતમાં પણ આ વવાઝોડાના વાયુ વેગની અસર જાેવા મળશે. જેના કારણે પવનના થપાટાથી કેરી સહિતના ઉભા પાકને ભારે નુકશાન થવાની ભીતિ છે. ત્યારે વરસાદી માહોલ જાણે જમ્યો હોય તેમ ગતરોજ સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીમાં આંશિક રાહત લોકોને અનુભવાઈ હતી. વાવાઝોડાને પગલે રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાબદું રખાયું છે અને લોકોને સાવધ રખાયા છે.