વડોદરા : શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ઘટવાની સાથે રોજબરોજ વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ત્રણ હજારથી વધુ લેવામાં આવતા કોરોનાના ટેસ્ટ માટેના સેમ્પલોમાંથી માત્ર ૧૦૦ અંદર એટલે કે ૯૦થી ૯પ વચ્ચે કેસો નોંધાઈ રહ્યા છે, તેની સામે સરકારી અને ખાનગી હોસ્પ્ટિલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા અને સાજા થયેલા ર૦૦થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી રહી છે. 

અલબત્ત, પોઝિટિવ દર્દીઓમાં સતત ઘટાડો અને હોસ્પિટલોમાંથી દર્દીઓને રજા આપવામાં આવતાં હવે જે સરકારી સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે દર્દીઓના સગાંઓ લાગવગ કે પડાપડી કરતા હતા અને હોસ્પિટલો ધમધમી રહી હતી, તે હવે આ હોસ્પિટલો કોવિડ સેન્ટરો સૂમસામ ભાસી રહી છે. સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરની વાત કરવામાં આવે તો કોરોનાની સારવાર માટે સ્પેશિયલ છ માળની બહુમાળી બિલ્ડિંગમાં પ૦૦ બેડની સુવિધા રાજ્ય સરકારના આદેશથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જાે કે, આઠ-નવ મહિનાના લાંબા સમયગાળા દરમિયાન કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન ઘટાડો થતાં સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના ઉપરના ત્રણ માળ ખાલી થઈ ગયા છે. જ્યારે આઈસીયુના બે વોર્ડ કાર્યરત રાખવામાં આવ્યા છે તેમાં પણ ૧પથી ૧૭ દર્દીઓ સારવાર માટે દાખલ હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સેવા સદનના આરોગ્ય વિભાગની ડેથ ઓડિટ કમિટી દ્વારા પણ છેલ્લા પાંચ-છ દિવસથી કોરોનામાં દર્દીનું મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ૨૧૩ પર સ્થિર રહેવા પામ્યો છે. હાલ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૦૫૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૧૪૮ ઓક્સિજન પર અને ૫૭ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળી રહ્યંુ છે.