અમદાવાદ-

રાજ્યમાં અનેક ઠેકાણે પ્રજાસત્તાકદિને બહાર નિકળતાની સાથે જ લોકોને સુસવાટાભેર વાતા ઠંડા પવનોનો સામનો કરવો પડ્યો હતો અને લાગ્યું હતું કે રાતોરાત ઠંડી વધી ગઈ છે. હવામાનખાતાની આગાહી જણાવે છે કે, રાજ્યમાં હજી પાંચેક દિવસ સુધી આવી કોલ્ડવેવની હાલત યથાવત રહેશે.

અનેક શહેરોમાં તાપમાન સીંગલ ડિજિટમાં આવી ગયું છે ત્યારે નલિયામાં તાપમાન સૌથી ઓછું એટલે કે માત્ર 3 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રના કેશોદ, પોરબંદર, અમરેલી તેમજ રાજકોટમાં તાપમાન 9 ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે પાટનગર ગાંધીનગર 8 ડિગ્રીએ ઠુંઠવાયું હતું. જો કે, પારો 10 ડિગ્રીએ રોકાતાં અમદાવાદીઓને થોડીક રાહત રહી હતી. એકાએક ઠંડી વધી જવાને પગલે લોકો ફરીથી સ્વેટર, કોટ અને શાલ ઓઢીને જાહેરમાં દેખાયા હતા, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તાપણાં સળગાવાયા હતા. ધુમ્મસની સાથે ઠંડીના સુસવાટાભેર વાતા પવનોને પગલે જનજીવન પર તેની ઘણી અસર જોવાઈ હતી.