આણંદ : આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લાં પાંચ દિવસોથી લધુત્તમ તાપમાનનો પારો ક્રમશઃ ગગડતાં સમગ્ર પંથકમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાવા માંડ્યો છે. તેમાંય છેલ્લાં ત્રણ દિવસ ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશાઓમાંથી ૫ થી ૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં સમગ્ર પંથકમાં ટાઢોળું ફરી વળ્યું હતું. ગત શુક્રવાર બાદ શનિવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો ૧૩.૫ ડિગ્રી પર યથાવત રહેતાં વહેલી સવારે તેમજ મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાયો હતો. દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશાઓમાંથી ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનનો જાેર ઘટતાં દિવસ દરમિયાન ઠંડીમાંથી આંશિક રાહત અનુભવાઈ હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૨૫.૫ ડિગ્રી નોધાયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૩.૫ ડિગ્રીનોધાયો હતો. જ્યારે પવનો જાેર ઘટતાં ૪.૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા હતા.