રાજકોટ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત રાજ્યભરના ધો. ૧૦ અને ૧૨ના ૧૫ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો શાંતીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે તેની સાથે જ રાજ્યભરમાં પરીક્ષા ફીવર છવાઇ જવા પામેલ છે. રાજકોટ શહેર-જિલ્લામાં ધો. ૧૦નાં ૪૬૮૩૯ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનાં ૨૩૨૯૨ અને વિજ્ઞાન પ્રવાહના ૭૦૯૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાના પ્રથમ દિવસે આજે પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરી મોં મીઠા કરાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

જેમાં શહેરના રૈયા રોડ પર આવેલ ન્યુ એરા સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા શિક્ષણાધિકારી ભરતભાઈ કૈલા તેમજ કલ્યાણ હાઇસ્કૂલ ખાતે એડીશ્નલ કલેક્ટર કેતન ઠક્કરએ વિદ્યાર્થીઓને ફૂલ અર્પણ કરી ઝળહળતી સફળતાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ન્યુ એરા સ્કૂલના ટ્રસ્ટી અજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. બોર્ડની આ કસોટીમાં મોબાઈલ એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનીટરીંગની કામગીરી થઇ રહી છે. ચોરી અને ગેરરીતિની ઘટનાઓ ડામવા માટે કડક પ્રબંધો કરવામાં આવેલ છે. જેમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. બોર્ડની કસોટીનો પ્રારંભ થતા જ પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં આજથી ૧૪૪મી કલમ લાગુ પાડી દેવામાં આવી છે. તેમજ ઝેરોક્ષ કેન્દ્રો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલ છે.

જામકંડોરણા કેન્દ્રમાં વિદ્યાર્થિની બેભાન થઇ ઢળી પડી

તાબડતોબ ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પ્રારંભ થયેલી ધો. ૧૦ની પરીક્ષામાં જામકંડોરણા કેન્દ્રમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિનીને એકાએક ચક્કર આવતા તે ચાલુ પરીક્ષા દરમિયાન જ બેભાન બની ઢળી પડી હતી. વિદ્યાર્થિનીને ૨૦ મીનીટનું પેપર લખ્યા બાદ આ ઘટના બનતા પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનામાં તાબડતોબ આ વિદ્યાર્થિનીને ૧૦૮ મારફત સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં વિદ્યાર્થિનીને ગ્લુકોઝના બાટલા ચડાવી તબીબી સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલાનો સંપર્ક કરાતા તેઓએ પણ આ ઘટનાને સમર્થન આપી જણાવ્યું હતું કે, જામકંડોરણાના આ પરીક્ષા કેન્દ્રમાં આ વિદ્યાર્થિનીએ માત્ર ૨૦ મીનીટનું જ પેપર લખ્યું હતું જે બાદ તેણીને એકાએક ચક્કર આવતાં તેણી બેભાન બની પરીક્ષા ખંડમાં જ ઢળી પડતા આ વિદ્યાર્થિનીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જીજીઝ્રનું ગુજરાતીનું પેપર સાવ સરળ હું માનવી માનવ થાવ તો ઘણું અને ક્ધયા વિવાહ વિષય પર નિબંધ પૂછાયો

પ્રજાસત્તાક દિન નિમિત્તે શૌર્યગીત સ્પર્ધાના આયોજન અંગે અહેવાલ લેખન સહિતના પ્રશ્નો સરળ પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ ઃ ૮૦૮ પરીક્ષાર્થીઓ ગેરહાજર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની આજથી થયેલી પરીક્ષામાં સવારના પ્રથમ સેશનમાં ધો. ૧૦નું ગુજરાતી અને અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર લેવામાં આવેલ હતું તેની સાથે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયતનું પેપર લેવામાં આવેલ હતું જે એકંદરે ટેક્સબૂક આધારિત સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની જવા પામેલ હતાં. ધો. ૧૦નાં ગુજરાતી પ્રથમ ભાષાના આ પેપરમાં ૩૫,૯૮૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૩૫,૧૯૫ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. જેમાં ૧૧૮ વિકલાંગ વિદ્યાથીઓનો પણ સમાવેશ થાય છે જ્યારે ૭૯૨ વિદ્યાર્થીઓ ગુજરાતી પ્રથમ ભાષાના પેપરમાં ગેરહાજર રહ્યા હતાં.