વડોદરા, તા.૩૧ 

વડોદરાની આગવી ઓળખ બની ગયેલી સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાની યોજનાનો આગામી તા.૫મી ઓગષ્ટના રોજથી આરંભ થનાર છે. શ્રી સત્યમ શિવમ સુંદરમ સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજ્યના મંત્રી યોગેશભાઇ પટેલે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનાની તા.૫મી ઓગષ્ટના રોજ સાંજે ૪ઃ૩૦ વાગે વડોદરાના મહારાજા શ્રીમંત સમરજીતસિંહજી ગાયકવાડના શુભ હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવને સોનાથી મઢવાની કામગીરીનો શુભારંભ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એ જ દિવસે તા.૫મી ઓગષ્ટે અયોધ્યા ખાતે બપોરે ૧૨ઃ૩૦ કલાકે બીજા મૂહુર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના નિર્માણનો આરંભ થનાર છે. એ જ દિવસે સાંજે ૪ઃ૩૦ કલાકે લાભ મુહુર્તમાં વડોદરા ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવને સોને મઢવાની યોજનાની નક્કર કામગીરી શરૂ થશે. અલબત્ત વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખી માત્ર સમિતિ આમંત્રિતોની હાજરીમાં તમામ નિયમોના કડક પાલન સાથે આ કાર્યક્રમ સંપન્ન થશે એમ યોગેશભાઇ પટેલે ઉમેર્યું છે.