સયાજી હોસ્પિટલનો ‘લોગો’ તૈયાર કરવા કોમ્પિટિશનનું આયોજન
18, એપ્રીલ 2022 297   |  

વડોદરા, તા.૧૭

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના આશીર્વાદ રૂપ શહેરની સયાજી હોસ્પિટલની પોતાની ઓળખ માટે અલગ ‘લોગો’ ન હોવાથી સયાજી હોસ્પિટલના સુપ્રિ. દ્વારા સયાજી હોસ્પિટલની પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા ‘લોગો’ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત રોટરી કલબ ઓફ બરોડા કોસ્મોપોલિટન અને સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ દ્વારા એક ‘લોગો’ બનાવવા માટેની સ્પર્ધાત્મક હરીફાઈ રાખવામાં આવી છે અને શહેરના કલાકારો પાસે સયાજી હોસ્પિટલનો ભવ્ય વારસો જળવાઈ રહે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની સારવાર ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ અને શહેરનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તેવા સમાવિષ્ટ લોગો તૈયાર કરવા માટે ઓનલાઈન કોમ્પિટિશન યોજવામાં આવી છે. કલાકારનો ઉત્કૃષ્ટ અને ઉપરોક્ત તમામ પાસાઓ આવરી લીધેલ લોગો હશે એ કલાકારને પ્રોત્સાહિત રૂા.૧૧ હજારનો પુરસ્કાર આપવામાં આવશે તેમ હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજનકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, સર સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એવી એમ.એસ. યુનિવર્સિટી, બરોડા મેડિકલ કોલેજ સહિત અન્ય સંસ્થાઓ અને કોર્પોરેટ સેકટરની કંપનીઓની ઓળખ તેમના લોગો પરથી લોકો ઓળખે, તદ્‌ઉપરાંત મેડિકલ કોલેજનો પોતાની ઓળખનો લોગો છે તો સયાજી હોસ્પિટલનો પણ પોતાની ઓળખ માટેનો લોગો હોવો જાેઈએ. જે લોગો જાેઈને લોકો અને સામાન્ય વ્યક્તિ પણ સરકારી સયાજી હોસ્પિટલને લોગો થકી ઓળખ કરી શકે તેવા શુભઆશયથી લોગો બનાવવાની કવાયત હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના મુખ્ય એન્ટ્રી ગેટ ઉપરથી લઈને કેસ પેપર અને સ્ટેશનરી ઉપર પણ આ લોગોનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ તો નવો લોગો તૈયાર કરવામાં આવશે તેનાથી શહેરની સરકારી હોસ્પિટલની ઓળખ પ્રસ્થાપિત થશે. લોગો તૈયાર કરનાર કલાકારે લોગોનો ભાવાર્થ સંક્ષિપમાં લખીને તા.૯મી મે, ર૦રર સુધી ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution