વડોદરા : આ અગાઉ પણ એક સિમેન્ટ મીક્ષરની કંપનીએ મેફેર લી.ના ડાયરેક્ટરો જેમાં ભટનાગર પરિવારની મહિલાઓ પણ છે એમની સામે પોલીસ ફરિયાદ કરી હતી ત્યાર બાદ ગઇકાલે સી.બી.આઇ.એ પણ રૂપિયા ૫૪ કરોડની બેંક ઓફ ઇન્ડિંયા સાથે કરેલી છેતરપિંડી અને બનાવટી કાગળોના ઉપયોગથી લોન લઇ એ રૂપિયાનો દુર ઉપયોગ બદલ લેખીત રજૂઆત કરતા સી.બી.આઇ.એ એફ.આઇ.આર. નોંધી છે. 

લોન લીધા બાદ રૂપિયા ૨૬૫૪ કરોડની રકમનું ફુલેકુ ફેરવનાર ભટનાગર ત્રીપુટી સામે હજી તપાસ ચાલી રહી છે. બેંકોના અધિકારીઓ સાથે મળી જઇ પ્રજાના પૈસાના રૂપિયા ચાઉ કરી જનાર ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટક્ચર લી.ના અમિત ભટનાગરે આટલી મોટી રકમનું લોન કૌભાંડ કર્યા બાદ શહેરની પ્રજા ઉપર છવાઇ જવા માટે લખલૂટ ખર્ચે વિવિધ આયોજનો કર્યા હતાં. એક સમયે અનેક બોડીગાર્ડથી સતત ઘેરાયેલા રહેતા ભટનાગર બે વર્ષ જેટલા સમય સુધી જેલમાં રહ્યા બાદ એમની શાન ઠેકાણે આવી ન હતી એમ કહેવાય છે. સી.બી.આઇ. નોંધેલી એફ.આઇ.આર.મા પ્રથમવાર ભટનાગર પરિવારની મહિલાઓનો પણ સમાવેશ થતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના અમિત ભટનાગર અને સુમિત ભટનાગર સામે રૂ. ૨,૬૫૪ કરોડની બેંક લોન કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. તેમની સાથે સંકળાયેલા મેસર્સ મેફેર લેઝર્સ લી. દ્વારા બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ૧૫૦ રૂમની ૫ સ્ટાર હોટેલ શરૂ કરવા માટે રૂ. ૬૩ કરોડની લોન લેવામાં આવી હતી. તેમાંથી રૂ. ૫૪.૧૯ કરોડ રુપિયા અન્યત્રે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ વાતનો ખુલાસો બેંક દ્વારા કરવામાં આવેલી ફોરેન્સીક ઓડિટમાં બહાર આવ્યો હતો. સીબીઆઇ દ્વારા મોના ભટનાગર, રીચા ભટનાગર સહિત કુલ ૯ લોકો સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના સંચાલકો અનેક બેંકો પાસેથી લોન લીધા બાદ ડિફોલ્ટર થયા હતા. તેમના દ્વારા આચરવામાં આવેલા હજારો કરોડના બેંક લોન કૌભાંડ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. મેસર્સ મેેફેર લીઝર્સ લી. દ્વારા બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ૫ સ્ટાર હોટલ બનાવવા માટે કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી. ૫ સ્ટાર હોટેલ જાણીતી લક્ઝુરીયલ હોટેલ ચેઇન ચલાવતી મેરીયોટ દ્વારા મેનેજ અને ઓપરેટ કરવામાં આવનારી હતી.પરંતુ લોન લીધા બાદ તેના પૈસા બીજે ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. રૂ. ૨૮.૭૭ કરોડ. મેસર્સ નોર્થવે સ્પેસ લી.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે પૈસાને ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે નિયમથી વિપરીત હતા. લોન લીધા બાદ પૈસાની મોટાપાયે હેરફેર કરવાનો મામલો બેંક દ્વારા કરવામાં આવેલા ફાઇનાન્શિલ ઓડિટમાં બહાર આવ્યો હતો. જેને પગલે ૧૦ સપ્ટેમ્બરના રોજ બેંક લોન કૌભાંડી ભટનાગર બંધુઓની પત્ની સહિત ૯ લોકો સામે વધુ એક સીબીઆઇ, ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઇ હતી.ઉલ્લેખનીય છે કે, મેસર્સ મોકટેલ કન્ટ્રોલ એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લી.દ્વારા બેંક પાસેથી કરોડો રુપિયાની લોન લેવા મામલે ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર લી. કોર્પોરેટ ગેરંટર તરીકેની ભુમિકા ભજવી હતી. તાજેતરમાં મેસર્સ મોકટેલ કન્ટ્રોલ એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લી. પાસે રૂ. ૧૭.૮૫ કરોડની વસુલાત મામલે જાહેર નોટીસ ફટકારવામાં આવી હતી.

ફરિયાદમાં ભટનાગર પરિવારની ત્રણ મહિલાઓનો સમાવેશ

સી.બી.આઇ.ની લોન કૌભાંડ અંગેની એફ.આઇ.આર.માં પ્રથમવાર ભટનાગર પરિવારની ત્રણ મહિલાઓનો સમાવેશ થયો છે. મેસર્સ મેફેર લિઝર્સ લિમીટેડ, રાજેશ નિમક્રર, મધુરીલતા સુરેશ ભટનાગર (અમિતની માતા), મોના ભટનાગર (અમિતની પત્ની), રીચા ભટનાગર (અમિતની ભાભી), નમો નારાયણ ભટનાગર, સંગ્રામ જ્યોતીરાજ બાહોટ, નોર્થવે સ્પોસીસ લી, અજાણ્યા પબ્લીક સર્વન્ટ અને લોકો.