જામનગર, જામનગર જિલ્લાના કાલાવડના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. આરોપી મંત્રીએ બે વર્ષ પૂર્વે મંડળીના નામે ગોડાઉન ખરીદ કર્યા અંગેના ખોટા દસ્તાવેજ બનાવી, પ્રમુખ સહિતનાઓની ખોટી સહીઓ કરી, નાણા ઉપાડ્યા હતા. તેમજ નાણાને અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામેં આવ્યું છે. જામનગર જિલ્લા સહકારી ક્ષેત્રમાં ચકચારી બનેલી છેતરપીંડી અને વિશ્વાસઘાત પ્રકરણની વિગત મુજબ, કાલાવડના નપાણીયા ખીજડીયા ગામે આવેલા નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જાેશીએ વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઈ કરવાના ઇરાદાથી મંડળીના ખેડૂત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી હતી. તેમજ મંડળીની અલગ અલગ પહોંચો આપી તે પૈકીની અમુક પહોંચમાં પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોંચ બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા. રોજમેળમા પાના નં-૬૧મા સામાન્ય ખાતાવહીના પાના નં-૧૧૫ થી શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીન જાેષીને વાઉચર મુજબ વાઉચર નં-૬૬ રોકડા રૂ.૬૦ લાખની કોઇ પણ ઠરાવ કે મંજૂરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા ૬૦ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો. આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.૨૯/૧૨/૨૦૨૦ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલી નોટીસનો જવાબ તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે રાઘવ દેવશી નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.