ભરૂચ : આમોદ પાલિકાની સામાન્ય સભા પ્રમુખ સુશીલા પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં સાત સભ્યો ગેરહાજર રહ્યા હતા.આમોદ પાલિકાની સામાન્ય સભામાં પાંચ વર્ષમાં પહેલીવાર વિપક્ષે શાસક પક્ષની કામગીરી સામે પહેલીવાર વિરોધનો સૂર ઉઠાવતા અચરજ ફેલાયું હતું.જોકે શાસક પક્ષના સભ્યોએ પણ ધ્યાન દોર્યું હતું કે પહેલાથી કેમ વિરોધ ના નોંધાવ્યો. 

સામાન્ય સભામાં નવા બે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાની વાત આવતા જ પાલિકાના વિપક્ષી નેતા દિનેશ પરમારે આમોદ નગરમાં કેટલા પે એન્ડ યુઝ ટોયલેટ છે તેમજ કેમ બંધ હાલતમાં છે તે બાબતે પ્રમુખ સુશીલાબેન પટેલ પાસે ખુલાસો માંગ્યો હતો અને નવા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો.તેમજ જે જુના ટોયલેટ છે તે બંધ હાલતમાં હોય તેમને રીપેર કરવાની માંગ કરી હતી. આમોદમાં બંધ હાલતમાં રહેલા શૌચાલયોથી લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છે.નવા બનેલા શોપીંગ સેન્ટરના ડિપોઝીટ નક્કી કરવાના મુદ્દા ઉપર દિનેશ પરમારે વિરોધ વ્યક્ત કરી આ શોપિંગ સેન્ટરમાં કલેકટર ના હુકાની અવગણના કરી પાર્કિંગની જગ્યામાં જ શટરો બેસાડી દીધા હોવાનો આક્ષેપ કરી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને શાસકો પાસે ખુલાસો માંગ્યો હતો કે કોના કહેવાથી નવા શોપિંગમાં પાર્કિંગ વાળી જગ્યામાં શટર બેસાડવામાં આવ્યા છે.જેના અનુસંધાનમાં સેનેટરી ચેરમેન મહેન્દ્ર દેસાઈએ પોતાના કહેવાથી શટર બેસાડવામ આવ્યા હોવાનું જણાવ્યુ હતુ.આ ઉપરાંત આમોદ પાલિકામાં આવેલી લોકોની અરજીઓના અનુસંધાનમાં લઘુત્તમ વેતન આપવામાં ભેદભાવ નીતિ રાખી હોવાથી પાલિકાના વિપક્ષી નેતાએ દરેકને લઘુત્તમ વેતનનો લાભ મળે તે માટે વર્ષો જુના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા હતા. આમોદ નગરમાં છ વર્ષ પહેલાં ૧૫.૯૫ લાખના ખર્ચે ચાર શૌચાલય આમોદ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા હતા.જે બિન ઉપયોગી પડી રહ્યા છે.જે આમોદ નગરની મધ્યમાં ટીલક મેદાન પાસે બીજું બી આર સી ભવન પાસે ત્રીજું નવી પાણીની ટાંકી પાસે આમોદ પાલિકાની બાજુમાં તેમજ ચોથું એસ ટી ડેપો પાસે બનાવવામાં આવ્યા હતા.જેમાંથી માત્ર તિલક મેદાન ખાતે આવેલા શૌચાલય નો જ ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં પણ હાલ ગંદકી હોય તેમજ જર્જરિત અવસ્થામાં છે.જેથી ખુદ આમોદ પાલિકાએ જ શૌચાલયો ઉપર સૂચના મારી હતી કે આ શૌચાલયનો ઉપયોગ ન થતો હોવાથી બંધ હાલતમાં છે.