દિલ્હી-

કોંગ્રેસે જાહેર કર્યું છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડ્ગેને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદના કાર્યકાળ બાદ વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા છે. આ માહિતી આપતા કોંગ્રેસના મહામંત્રી વેણુગોપાલે જણાવ્યું હતું કે, પક્ષે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને જાણ કરી દીધી છે કે ખડ્ગેને પાર્ટી દ્વારા આઝાદની નિવૃત્તિ પછી નિમણૂક કરવામાં આવી છે. આમ, રાજ્યસભામાં હવે વિપક્ષના નેતા તરીકેની જવાબદારી કોંગ્રેસે ખડગેના માથે નાંખી છે. 

અહીં એક નોંધનીય ઘટનાક્રમ એ ગણાય કે રાજ્યસભામાં જે હાલમાં વિપક્ષ તરફે ઉપનેતાની કામગીરી સંભાળી રહ્યા છે, એવા આનંદ શર્માને બાજુપર મૂકીને કોંગ્રેસે આવો નિર્ણય લીધો છે. તેની પાછળ જે નેતાઓ પત્ર લખવાના રાજકારણને પગલે કોરાણે મૂકાઈ ગયા છે, તેમાંના એક શર્મા પણ હોવાનું મનાય છે. તાજેતરમાં જ સોનિયા ગાંધીને લખેલા પત્ર પછી સંગઠન અંગે અનેક સવાલો ઉઠાવ્યા બાદ પક્ષની નેતાગીરી તેમને આ જવાબદારી આપવામાં બહુ ઉત્સાહી જણાઈ નથી. આમ પણ, મલ્લિકાર્જુન ખડ્ગેને રાહુલ ગાંધીની ખૂબ નજીકની વ્યક્તિ પણ માનવામાં આવે છે. 2019 માં લોકસભાની ચૂંટણીમાં હાર છતાં પાર્ટી દ્વારા તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

સાથે જ રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી પછી જમ્મુ-કાશ્મીરનો કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીંથી રાજ્યસભાની હાલમાં 4 બેઠકો છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી ત્યાં ચૂંટણી યોજાઇ નથી. આવી સ્થિતિમાં રાજ્યસભામાં ત્યાંથી કોઈ સભ્ય હશે નહીં. પીડીપી એટલે કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદ નઝીર અહેમદ લવે અને મીર મોહમ્મદ ફૈઝ નો કાર્યકાળ પણ સમાપ્ત થશે. ગુલામ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટીના શમશેરસિંહ મન્હાસનો કાર્યકાળ 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આમ, વિપક્ષી નેતાને મુદ્દે કોંગ્રેસની અંદર જ ભારે ખેંચતાણ ચાલી હોવાના સંકેત મળી રહ્યા છે.