ગાંધીનગર-

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં 13 શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના 75 જેટલા કાર્યકરો – આગેવાનો સામે થયેલી ફરિયાદો અંગે તેમને સાંભળવામાં આવ્યા હતા. આ શિસ્ત સમિતિની આ બેઠકોનો દોર હજુ બેથી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ જેવી કે, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થોડા સમય અગાઉ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા પક્ષ વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવી હોવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ફરિયાદો આવી હતી.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રાજ્યના વિવિધ શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા તેમજ જે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારો દ્વારા પક્ષના કેટલાક આગેવાનો અને કાર્યકરો સામે પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પક્ષની શિસ્ત સમિતિને મોકલી આપવામાં આવી હતી.

આ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કાર્યવાહી કરવા અંગેની ફરિયાદોને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં આજે સમિતિ દ્વારા 13 શહેર-જિલ્લાના 75 કાર્યકરોને તેમની સામેની ફરિયાદો અંગે સાંભળવામાં આવ્યા હતા.આજે જે શહેર-જિલ્લા સમિતિના કાર્યકરોને તેમના ખુલાસા અને સાંભળવામાં આવ્યા હતા. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત શહેર, સુરત જિલ્લો, ડાંગ અને ભરુચ જિલ્લાના કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે મધ્ય ગુજરાતનાં દાહોદ અને મહીસાગર જિલ્લો, સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લા, ભાવનગર જિલ્લા અને કચ્છ જિલ્લાના, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદ શહેરના કાર્યકરોને તેમની સામે થયેલી ફરિયાદોને સાંભળવા અને તેમના ખુલાસો કરવામાં માટે બોલાવાયા હતા.