અમદાવાદ, રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરના ત્રાસ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં રખડતા ઢોર અંગેના નવા કાયદામાં ઢોરના માલિકને સજા અને દંડ કરવા વિચારણા કરી રહી છે. શહેરી વિસ્તારોની હદથી દૂર અલગ વસાહતો અને ઢોરવાડા બનાવવા સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. પ્રસ્તાવિત કાયદામાં પશુઓના ગળામાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેગ લગાવવામાં આવશે. લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જેનો અભ્યાસ અને સંશોધન કર્યા બાદ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે.આ મામલે રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. હાલ આ ડ્રાફ્ટ વિધાનસભા કમિટી સમક્ષ છે. રાજ્યના મહાનગરો અને નગરોમાં અલગ-અલગ ઝોનને નો કેટલ ઝોન જાહેર કરી શકે છે. આ મામલે જાણકારી આપતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારે કહ્યું કે,’મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા છે, તેના જેવો કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે, જેમાં રસ્તે ચરતા પશુઓ- ઢોરને લગતી તમામ બાબતોનો સમાવેશ કરી લેવામાં આવશે. અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું કે, રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશે. આ મામલે ડ્રાફ્ટ એક્ટ તૈયાર થઈ ગયો હોવાની જાણ પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી.