અમદાવાદ-

સિમેન્ટ અને સ્ટીલ સહિતના રીયલ એસ્ટેટને લગતા મટીરીયલ્સના ભાવોમાં બેફામ ભાવવધારાની સામે આજે એક દિવસની પ્રતિક હડતાળ છે. આ હડતાળને પગલે રાજ્યની આશરે 22000 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર કામ બંધ રહેવાની ધારણા છે. આ ઉદ્યોગને ધક્કો પહોંચતાં તેની સાથે સંકળાયેલા મજૂરવર્ગે પણ એવી રજૂઆત કરી છે કે, તેઓ એક દિવસ પૂરતા કામથી અળગા રહેવાના છે અને કલેક્ટરને રજૂઆત કરવાના છે. 

બાંધકામ અને નિર્માણક્ષેત્રને ઉત્તેજન આપવાની વાતો વચ્ચે બિલ્ડીંગ મટીરીયલ્સના ભાવોમાં ભાવવધારાને પગલે બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને સમસ્યાઓ નડે છે અને તેની સામે પહેલીવાર એક દિવસની પ્રતિક હડતાળ પાડવામાં આવી છે. જે પ્રકારની રજૂઆત થાય છે, એ મુજબ જ્યાં સિમેન્ટનું ઉત્પાદન જ નથી થતું ત્યાં સિમેન્ટ સસ્તી મળે છે, જ્યારે જ્યાં સિમેન્ટની અનેક જંગી ફેક્ટરીઓ છે, એવા ગુજરાતમાં સિમેન્ટના ભાવ આસમાને છે. રાજસ્થાન કે બિહારમાં સિમેન્ટ માત્ર 235 થી 245 રૂપિયે મળે છે, જ્યારે ગુજરાતમાં તેના ભાવો 320 રૂપિયા છે. એક અંદાજ મુજબ, આજે 40 લાખથી વધારે કામદારો કામથી અળગા રહેશે. અમદાવાદ અને વડોદરા સહિતના રાજ્યના શહેરો આ હડતાળમાં જોડાવાના છે અને એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, નજીકના ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ રાહત નહીં અપાય તો, ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ બાબતે એક આવેદનપત્ર પણ આજે કલેક્ટરને આપવામાં આવશે.